
રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાના-મોટા વિકાસકામો અને પ્રોજેક્ટ્સ પર વિશિષ્ટ મોનીટરીંગ અને ઝડપી અમલીકરણ રાખવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (પીએમયુ) હેઠળ નવી સોફ્ટવેર આધારીત વ્યવસ્થા તુરંતમાં લોન્ચ કરવા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સિસ્ટમ મારફતે હવે સીધા કોર્પોરેટરો પોતાના વિસ્તારના પ્રશ્નો અને કામો મોબાઈલ દ્વારા રજૂ કરી શકશે. જેના પરિણામે સંબંધિત ઇજનેરો અને અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરવી પડશે. આ નવી સિસ્ટમથી કામમાં ઝડપ આવવાની સાથે પારદર્શિતા વધશે અને દૈનિક પ્રોગ્રેસ રિપોર્ટ સીધા જ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની સ્ક્રીન પર દેખાશે.
શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત ટેકનીકલ પ્રોજેક્ટોને ઝડપી બનાવવા માટે 11 માસના કરાર આધારિત ફિલ્ડ એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી છે. સરકાર તરફથી મળતા ગ્રાન્ટ અને ફંડનો યોગ્ય તેમજ સમયસર ઉપયોગ થાય તે આયોજનનો મુખ્ય હેતુ છે. પીએમયુના કડક મોનીટરીંગના લીધે હાલમાં જ નવા રિંગરોડ પર બ્રિજના કામમાં ક્ષતિ જણાતા બે ઇજનેરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ મજબૂત વોર રૂમ અને કંટ્રોલ રૂમ આધારિત વ્યવસ્થાથી ચૂંટાયેલી બોડી તેમજ નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પરિણામો મળશે.
હાલમાં રાજકોટમાં 167 કરોડના ખર્ચે કટારીયા ચોકે ઓવરબ્રિજ-અંડરબ્રિજ, 344 કિમીના રોડના કામો, લાયન સફારી પાર્ક, લાલપરી તળાવ, રેસકોર્સ તેમજ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ કામગીરી પર ચોક્કસ દેખરેખ રાખવા ઇજનેરો માટે ડિજિટલ ડેટા એન્ટ્રી ફરજિયાત બનાવવામાં આવી છે. જો પૂરી ચેનલમાં કોઈ પણ અધિકારી કામમાં વિલંબ કરશે તો કમિશનરની સ્ક્રીન પર લાલ સિગ્નલ (રેડ ફ્લેગ) દેખાશે, જેથી અધિકારીઓને ફિલ્ડમાં સતત હાજર રહેવું પડશે.
આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી લઈને લોકાર્પણ સુધીની સમગ્ર 'લાઈફ સાયકલ'નું ડિજિટલ ટ્રેકિંગ કરવાનો છે. નવા સોફ્ટવેર અને ડેશબોર્ડના માધ્યમથી સાઈટ વિઝિટ, દૈનિક ફોટો-વીડિયો અપલોડિંગ, અને કામ પર રહેલા મજૂરોની હાજરીની પણ ડિજિટલ ચકાસણી થઈ શકશે. આ ઉપરાંત ડીપીઆર બનાવવાથી માંડીને પ્રાથમિક સુવિધાઓની દેખરેખ અને યોજનાઓના અમલીકરણમાં થતો વિલંબ દૂર કરવા માટે મોનિટરિંગ કડક બનાવવામાં આવ્યું છે.
આધુનિક વોર રૂમમાંથી થનારા દૈનિક રિવ્યુના કારણે રાજકોટ મહાનગરપાલિકાના વિકાસકામો વધુ સુવ્યવસ્થિત, પરિણામલક્ષી અને ટેકનીકલી મજબૂત બનશે. કોર્પોરેટરો અને અધિકારીઓ બંને પોતાના મોબાઈલ સ્ક્રીન પર કામની દૈનિક પ્રગતિ જોઈ શકશે. મનપા કમિશનર તુષાર સુમેરાના આ વિઝનથી રાજકોટના નાગરિકોને સમયમર્યાદામાં ઉચ્ચ ક્વોલિટી ધરાવતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt