જીતુ વાઘાણીની પહેલથી ૨૧૦૦ બહેનો અને કાર્યકર્તાઓની શ્રવણ યાત્રાનો પ્રારંભ
ભાવનગર, 22 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પહેલથી ‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની ૨૧૦૦ બહેનો અને કાર્યકર્તાઓ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે રવાના થયાં હતાં. ગુજરાત સરકારના પવિત્ર યા
શ્રવણ યાત્રા નો પ્રારંભ


ભાવનગર, 22 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પહેલથી ‘શ્રવણ યાત્રા’ અંતર્ગત ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારની ૨૧૦૦ બહેનો અને કાર્યકર્તાઓ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે રવાના થયાં હતાં. ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની શ્રવણ તીર્થ યોજના અંતર્ગત ભાવનગર-રાજકોટ રોડ પર ચિત્રા સ્થિત ૐ પાર્ટી પ્લોટ ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ પંડ્યા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૩૮ બસોના કાફલાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, માતાઓ-બહેનોની સેવા કરવી એ સૌભાગ્ય અને સંસ્કારનું કાર્ય છે. યાત્રિકોની સુખાકારી માટે ભોજન, રહેવા, આરોગ્ય અને દવાઓ સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો કાર્યકર્તાઓનો સંપર્ક કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સાથે જ યાત્રાના આયોજનમાં સહયોગ આપનાર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર ભારતની અડીખમ આસ્થા, સ્વાભિમાન અને સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક છે. યાત્રા સુખદ, સલામત અને મંગલમય બને તથા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે યાત્રિક બહેનોની આરતી ઉતારી ‘જય સોમનાથ’ના જયઘોષ સાથે યાત્રાને શુભકામનાઓ પાઠવી હતી.

યાત્રા દરમિયાન યાત્રિકો સોમનાથ મહાદેવનાં દર્શન, પૂજા-અર્ચના અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બનશે. ત્યારબાદ ત્રિવેણી સંગમ, પ્રાચી તીર્થધામ અને બગદાણામાં ગુરુદેવ બજરંગદાસબાપાનાં દર્શન કરશે. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ અને શ્રવણ તીર્થ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande