રાજકોટ હાઇવે પર ગેરકાયદે ‘ગેપ ઇન મીડિયન’ કરનારા સામે કડક પગલાં: સીસીટીવી કેમેરાથી રખાશે નજર
માર્ગ સલામતી બેઠકમાં કલેક્ટરના કડક આદેશ: અનધિકૃત દબાણો દૂર કરવા અને દંડકીય કાર્યવાહી કરવા સૂચના રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને હાઇવે ટાસ્ક ફોર્સની બેઠકમાં માર્ગ અકસ્માતો અટકાવવા અંગે મહત્વના નિર્ણયો લેવાયા છે.
રાજકોટ કલેક્ટર બેઠક


- માર્ગ સલામતી બેઠકમાં કલેક્ટરના કડક આદેશ: અનધિકૃત દબાણો દૂર કરવા અને દંડકીય કાર્યવાહી કરવા સૂચના

રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને હાઇવે ટાસ્ક ફોર્સની બેઠકમાં માર્ગ અકસ્માતો અટકાવવા અંગે મહત્વના નિર્ણયો લેવાયા છે. નેશનલ હાઇવે પર ગેરકાયદે રીતે તોડવામાં આવેલા મીડિયન (રોડ ડિવાઇડર) પાસે CCTV કેમેરા ગોઠવી દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા દબાણો દૂર કરવા, ખાડા પૂરવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.

હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે ગેરકાયદે ગેપ ઇન મીડિયન બંધ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર મિલકતને નુકસાન પહોંચાડીને પોતાના સ્વાર્થ માટે રસ્તા વચ્ચે જગ્યા બનાવતા અસામાજિક તત્વો અને તેમાં સંકળાયેલી નજીકની હોટેલો કે પેટ્રોલ પંપો સામે સીધી FIR નોંધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આવા વિસ્તારોમાં સીસીટીવીથી સતત મોનિટરિંગ કરવામાં આવશે.

બેઠક દરમિયાન રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-જેતપુર હાઇવે પર ચાલી રહેલા માર્ગ અને પુલોના નિર્માણ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ તમામ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ હાઇવે પરના ટોલ પ્લાઝા વિસ્તારમાં વાહનવ્યવહારને સુચારુ બનાવવા માટે 'એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' (ATMS) લાગુ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશો હેઠળ જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સ દ્વારા અત્યાર સુધીમાં નેશનલ હાઇવે પરથી આશરે ૧૦૦ જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઇવે પર અનધિકૃત રીતે વાહનો પાર્ક કરવા બદલ આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ દ્વારા ૧૯૨ જેટલા મેમો ફાડી દંડ વસૂલવામાં આવ્યો છે. આ બેઠકમાં પોલીસ, આર.ટી.ઓ. અને નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande