
રાજકોટ, 22 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ૨૩ ઓક્ટોબરથી ૩ નવેમ્બર દરમિયાન ૧૧ દિવસીય 'સ્વદેશી મેળા-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્ષ સ્થિત શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે યોજાનારા આ મેળાનો મુખ્ય હેતુ 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત સ્થાનિક વેપારીઓ, કારીગરો, કલાકારો અને શેરી ફેરીયાઓને યોગ્ય મંચ પૂરું પાડી ખરીદ-વેચાણને ઉત્તેજન આપવાનો છે. આ મેળો સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારની હસ્તકલા, સ્થાનિક ઉત્પાદનો અને ખાદ્યપદાર્થોના પ્રચાર-પ્રસાર માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. મેળા પરિસરમાં શોપિંગ ક્લસ્ટર, ક્રાફ્ટ ક્લસ્ટર અને ફૂડ કોર્નર મળી કુલ ૮૫ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે વિવિધ યોજનાઓ અને વિગતો પૂરી પાડતા પાંચ માહિતી સંચાર સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જેથી નાગરિકો સરળતાથી ખરીદી કરી શકે.
સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ આપવાના પ્રયાસરૂપે મેળામાં 'એક જિલ્લો, એક ઉત્પાદન' (ODOP) યોજના હેઠળ બ્રાન્ડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પહેલમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદકો અને કારીગરોને અગ્રતા આપવામાં આવશે. જેથી નાના વ્યવસાયકારો અને કલાકારોને પોતાનું કૌશલ્ય દર્શાવવાની સાથે સાથે સીધું બજાર ઉપલબ્ધ થઈ શકશે.
મેળામાં મુલાકાતીઓ માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરી શકે તે માટે 'સાંસ્કૃતિક કોર્નર' ઊભો કરાયો છે. કોઈપણ નાગરિક કે કલાકાર દરરોજ સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૦૦ કલાક દરમિયાન આ પ્લેટફોર્મ પર પોતાની કલા પ્રદર્શિત કરી શકશે, જેનાથી સ્થાનિક લોકકળાને વેગ મળશે.
પરિવાર અને બાળકો માટે મેળાને વધુ આકર્ષક બનાવવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને એક્ટિવિટી ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા સમજાવવા અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી તરફ નાગરિકોને પ્રેરિત કરવાની દિશામાં મહત્વનું કદમ છે, જે 'વિકસિત ભારત-2047'ના સંકલ્પને સાકાર કરવામાં સહાયક બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt