
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) ભાયાવદર ખાતેથી સેક્સ સ્ટેમિના વધારવાની દવા વેચવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા ત્રણ ગેરકાયદે કોલ સેન્ટરનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકી લોકોને જાળમાં ફસાવી, નકલી ડોક્ટર બની અલગ અલગ દવાના નામે પૈસા પડાવતી ત્રણ ટોળકી ઝડપાઈ છે. પોલીસે દરોડા દરમિયાન 10 શખ્સોની ધરપકડ કરી રૂ.૫.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. એચ. રાખોલીયાની ટીમ તપાસમાં હતી. તે દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળેથી સેક્સ્યુઅલ પાવર વધારવાની દવાનું ઓનલાઈન વેચાણ કરતાં ત્રણ ગેરકાયદે કોલ સેન્ટર ચાલી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ત્રણ ટીમો બનાવીને દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરીમાં દરોડા પાડીને ખોડીદાસ હીરા માકડીયા, કૌશિક અશોક વાળા, મીત હરસુખ બેડવા, ચેતન હેમંત રાઠોડ, અહેમદરજા અશરફ મુલતાની, રાજેશ નાથા પરમાર, મનવીર રાણા ખાંભલા, અહેમદરજા ઉર્ફે બાપુ અનવર કાદરી, નાસીર દોસમામદ લાખા અને જીલ દિનેશ ખાણીયાની ધરપકડ કરી હતી. આ દરોડા દરમિયાન સ્થળ પરથી ૧૮ લેપટોપ, ૩૩ કીબોર્ડ અને માઉસ, ૨૩ મોબાઈલ ફોન અને ત્રણ બ્રોડબેન્ડ સહિત કુલ રૂ. 5,16,700 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ હાર્દિક ભરત ખાંભલા, જયદીપ સુરેશ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત ઉર્ફે નીલ સુભાષ ભટ્ટ અને રાહુલની પોલીસે શોધખોળ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ખોડીદાસ માકડીયા કોઈપણ લાયસન્સ વગર કૌશિક વાળા, મીત બેડવા અને ચેતન રાઠોડ સાથે મળીને પોતાના મકાને ઓફિસ શરૂ કરી કૌભાંડ ચલાવતો હતો. તેઓ નકલી ડોક્ટર બની પોર્ન સાહિત્ય મોકલી લોકોને ઉશ્કેરતા હતા અને બાદમાં પરિવારને જાણ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા.
અહેમદરજા મુલતાનીએ રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરજા કાદરી, નાસીર લાખા અને જીલ ખાણીયા સાથે મળીને સિનેમા રોડ પર ઓફિસ ખોલી ખોટા તબીબ તરીકે ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. ઓર્ડર કેન્સલ કરનાર ગ્રાહકોને વોટ્સઅપ મારફતે આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક પૈસા પડાવવામાં આવતા હતા. ત્રીજી તરફ, હાર્દિક ખાંભલા પોતાની ટોળકી સાથે મળી ન્યુરોશક્તિ પ્લસ આયુર્વેદિક પ્રોડક્ટ વેચવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો.
ઝડપાયેલા શખ્સો છેલ્લા પાંચ મહિનાથી આ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા અને અત્યાર સુધીમાં હજારો લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા છે. ત્રણેય ટોળકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી લોકોને લિંક પર ક્લિક કરાવી ફસાવતી હતી. આ કામગીરી ઇન્ચાર્જ પીઆઈ ડી. એચ. રાખોલીયા, શક્તિસિંહ, રોહિત, અરુણકુમાર, સુરેશ, નિકુંજ, મનેશ, રણજીત, નરેન્દ્ર, અજીમ, નિલેશ, ભાગ્યરાજસિંહ અને મહેશ દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt