
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે લાલ આંખ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર, ગાયનું ઘી અને ટોમેટો સોસના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે નાપાસ જાહેર થયા છે. આ રિપોર્ટમાં ઘીમાં કૃત્રિમ ફેટ અને પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું સામે આવતા ચારેય કસૂરવાર પેઢીઓ સામે એજ્યુડિકેશન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિગતવાર વિગતો મુજબ, લાતી પ્લોટ-4 સ્થિત 'ફોર્ચ્યુન મિલ્ક ફૂડ પ્રોડક્ટસ'માંથી લેવાયેલા લુઝ પનીરમાં ધારાધોરણ કરતાં ઓછી રિચર્ટ વેલ્યૂ મળતા સેમ્પલ ફેઇલ થયું છે. આ સિવાય, દાનપીઠ સ્થિત 'પેશુમલ ચેલારામ'ના વાસ્તુ એગ માર્ક કાઉ ઘી અને મવડી રોડ પર આવેલા 'જલારામ ઘી ડેપો'ના શ્રીકાંત ગાયના પ્રીમિયમ ઘીમાં ફોરેન (વેજીટેબલ) ફેટની હાજરી મળી આવી હતી. જ્યારે માધાપર-ઈશ્વરીયા રોડ પરની 'આર.બી. ફૂડ પ્રોડક્ટ'ના લુઝ ટોમેટો સોસમાં ખતરનાક સિન્થેટીક ફૂડ કલર (કાર્મોઝિન) મળી આવતા તેને અખાદ્ય જાહેર કરાયો છે.
ભેળસેળ અને અસ્વચ્છતા અટકાવવા ફૂડ શાખાએ મોરબી રોડ, કુવાડવા રોડ, ડી-માર્ટ રોડ અને સેટલાઈટ રોડ સહિતના વિસ્તારોમાં કુલ 47 વેપારી પેઢીઓમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી. આ તપાસ દરમિયાન દૂધ, ખમણ, ફરસાણ, આઈસ્ક્રીમ અને બેકરી સહિતની દૂકાનોમાંથી વધુ 14 જેટલા ખાદ્યપદાર્થોના સેમ્પલ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ સાથે જ અસ્વચ્છતા દાખવનાર રેસ્ટોરન્ટ્સ સામે પણ કડક હાથે કામ લેવાયું છે. કાલાવડ રોડ પર આવેલ વર્ણીરાજ રેસ્ટોરન્ટમાંથી 32 કિલો અને શિવ પંજાબી ચાઈનીઝમાંથી 5 કિલો મળીને કુલ 37 કિલો વાસી તથા પડતર ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ બંને પેઢીઓને હાઈજેનિક કંડિશન જાળવવા બાબતે નોટિસ ફટકારીને કુલ રૂપિયા 2,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
તહેવારો અને સામાન્ય દિવસોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સ્વીટ્સ અને મધ્યાહન ભોજન ક્ષેત્રે પણ તપાસ લંબાવવામાં આવી છે. ગાયત્રી ડેરી, તિરુપતિ ડેરી અને જનતા ડેરીમાંથી વિવિધ મીઠાઈઓના સેમ્પલ લેવાયા છે. સાથોસાથ શાસ્ત્રી મેદાન પાસે આવેલી સૂચક સ્કૂલના મધ્યાહન ભોજન રસોડામાંથી પારસ એગ્રો એજન્સી દ્વારા પીરસાતા સુખડી, શીરો, દલિયા અને સિંગતેલ સહિત અનાજના 8 સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt