
ગીર સોમનાથ 23 ઓક્ટોબર (હિ.સ.) : શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ કોડિનાર તાલુકાના પણાદર ખાતે અંદાજીત રૂ.૨.૨૭ કરોડના ખર્ચે તૈયાર થનાર સુવિધાપથ અને રિસર્ફેસિંગના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં દેશનો વિકાસ કરવો હોય તો આવાગમનની સુવિધા મહત્વનો ભાગ ભજવે છે. જો આવાગમનની સુવિધા ઉત્તમ હોય તો દેશના વિકાસનો માર્ગ સરળ થઈ જાય છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યમાં રોડ રસ્તાની સુવિધાઓ વિકસી છે. અંતરિયાળ ગામોમાં પણ રસ્તાની સુવિધાથી વાહનવ્યવહાર સુગમ બન્યો છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, આજરોજ થયેલું રસ્તાનું ખાતમૂહૂર્ત એ વિકાસના સંકલ્પનું પ્રતીક છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ.૨.૨૭ કરોડના ખર્ચે તૈયાર થનાર સુવિધાપથ અને રિસર્ફેસિંગ થકી પણાદરના ગ્રામજનોને ઉત્તમ રસ્તાની સુવિધા મળશે.
સુવિધાયુક્ત માર્ગ એ ગ્રામ્ય વિકાસની પ્રગતિનો આધાર છે. આજે માત્ર આ એક ખાતમુહૂર્ત નથી પરંતુ ગ્રામ્યજીવનમાં વસતા લોકોના સપનાં, વિકસતી તકો અને પ્રગતિને જોડતી જીવનરેખાનું પ્રતીક છે. એમ મંત્રીએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પણાદર ખાતે રૂ.૫૪.૪૨ લાખના ખર્ચે ૫૫૦ મીટર લંબાઈ અને ૫.૫૦ મીટર પહોળાઈ ધરાવતા પણાદર એપ્રોચ રોડ સુવિધા પથ અને રૂ.૧.૯૮ કરોડના ખર્ચે ૩.૨૦ કિ.મી લંબાઈ અને ૩.૭૫ મીટર પહોળાઈ ધરાવતા પણાદર એપ્રોચ રોડના રિસર્ફેસિંગ કામનું ખાતમૂહુર્ત થતાં ગ્રામજનોને ઉત્તમ વાહનવ્યવહાર સુવિધા મળશે.
મંત્રીએ શહિદવીર પ્રતાપસિંહ ઝણકાટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યાં હતાં. કોડિનાર મતવિસ્તારના વિકાસલક્ષી નિર્ણયો માટે સમાજશ્રેષ્ઠીઓએ મંત્રીનું સન્માન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ
શારદાબહેન બાંભણિયા, જિલ્લા પંચાયતના દંડક દર્પિતભાઈ ડોડિયા, કોડિનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, પણાદરના સરપંચ માનસિંહભાઈ ચૌહાણ, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યઓ, માર્ગ અને મકાન (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર જે.આર.સિતાપરા, પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, કોડિનારના મામલતદાર એચ.કે.ભાસ્કર સહિત આસપાસના ગામના સરપંચઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ