રાજકોટમાં 12 દિવસીય ‘સ્વદેશી મેળા’નો ભવ્ય પ્રારંભ: 85 સ્ટોલમાં સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાનું પ્રદર્શન
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ સંકુલમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત 12 દિવસીય સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નો મેયર ડો. નેહલ શુકલ અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ''મેક ઇન ઇન્ડિયા'
રેસકોર્સ મેળાનો પ્રારંભ


રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટના રેસકોર્સ સંકુલમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત 12 દિવસીય સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નો મેયર ડો. નેહલ શુકલ અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના દ્રષ્ટિકોણને વેગ આપતા આ મેળામાં 85 સ્ટોલ્સના માધ્યમથી સ્થાનિક કલાકારો, કારીગરો અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ મેળામાં નાગરિકોની ખરીદી અને ખાદ્યપદાર્થોની વિવિધતા માટે શોપિંગ ક્લસ્ટર, ક્રાફ્ટ ક્લસ્ટર અને ફૂડ કોર્નરની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ માટે ખાસ 5 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ આયોજનથી સ્થાનિક સ્વસહાય જૂથો, શેરી ફેરિયાઓ અને પરંપરાગત કારીગરોને પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની ઉત્કૃષ્ટ તક મળી રહેશે.

ભારતની પરંપરાગત આર્ટ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાના મુખ્ય હેતુ સાથે શરૂ કરાયેલા આ મેળામાં ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ (ODOP) અંતર્ગત રાજકોટના સ્થાનિક ઉત્પાદકોનું બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. મુલાકાતીઓ માટે દરરોજ સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મેળામાં એક જ સ્થળેથી વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવાનો અનેરી અનુભવ નાગરિકોને મળશે.

પરિવાર સાથે આવતા નાગરિકો અને બાળકો માટે મેળામાં ખાસ 'ચિલ્ડ્રન પ્લે એરિયા' અને 'એક્ટિવિટી ઝોન' બનાવવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને કારણે સ્વદેશી મેળો માત્ર ખરીદી પૂરતો સીમિત ન રહેતા સંસ્કૃતિ, મનોરંજન અને પારિવારિક સહભાગિતાને જોડતો એક વિશેષ ઉત્સવ બની રહ્યો છે. સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સંકલ્પને દૈનિક જીવનમાં ઉતારવાનો આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.

આ સિવાય મેળામાં સ્થાનિક કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે વિશેષ સાંસ્કૃતિક કોર્નર ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં સાંજે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી સહિતના અનેક રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande