રાજસ્થાનથી આવતા સુકા પવનોથી સૌરાષ્ટ્રમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ: તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજસ્થાન તરફથી ફૂંકાતા અતિ ગરમ અને સૂકા પવનોના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે અને તાપમાનમ
ગરમી


રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) :

રાજસ્થાન તરફથી ફૂંકાતા અતિ ગરમ અને સૂકા પવનોના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે અને તાપમાનમાં હજુ 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ચોમાસાની વિદાય બાદ અચાનક ઊંચકાયેલા પારાને કારણે ઓક્ટોબર મહિનામાં જ લોકોને ધોમાખ વિંઝતા આકરા ઉનાળા જેવી કમકમતી ગરમીનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે.

રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શુક્રવારે બપોરે 2:30 કલાકે જ રાજકોટમાં પારો 39.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સમયે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને માત્ર 21 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની સરેરાશ ઝડપ 12 કિમી પ્રતિ કલાક રહી હતી. રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે, જેનાથી બપોરના સમયે રસ્તાઓ પર સુમસામ ભાસી રહ્યા છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી સતત વાઈ રહેલા શુષ્ક પવનો આ સ્થિતિ માટે મુખ્યત્વે જવાબદાર છે. ચોમાસાની સિઝન પૂર્ણ થયા પછી જમીન ઝડપથી ભેજ ગુમાવીને સૂકી બની જાય છે. તેવામાં પાડોશી રાજ્ય રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોની સીધી અસર ગુજરાતની આબોહવા પર પડી રહી છે. આ ભૌગોલિક અને વાતાવરણીય ફેરફારોને પરિણામે જ રાજ્યના તાપમાનમાં આ પ્રકારનો અસામાન્ય અને તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.

આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ જ શક્યતા ન હોવાથી અને વાતાવરણ તદ્દન શુષ્ક રહેવાનું હોવાથી તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના નહિવત છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યના નાગરિકોએ હજુ આગામી દિવસોમાં પણ આવી જ શેકાતી અને આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી પદાર્થોનું સેવન કરવા સલાહ આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande