ITI અંજારમાં મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિનો સંદેશ, POSH કાયદા અને SHe-Box પોર્ટલની સમજ અપાઈ
કાર્યસ્થળે જાતીય સતામણી સામે કાનૂની અધિકારો, ફરિયાદની પ્રક્રિયા અને સાયબર સુરક્ષા અંગે 63 સહભાગીઓને માર્ગદર્શન અપાયું કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : કાર્યસ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા, તેમના કાનૂની અધિકારો અંગે જાગૃતિ ફેલાવવા અને જાતીય સ
કાર્યસ્થળે જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો


કાર્યસ્થળે જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો


કાર્યસ્થળે જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો


કાર્યસ્થળે જાતીય સતામણી સામે કાનૂની અધિકારો, ફરિયાદની પ્રક્રિયા અને સાયબર સુરક્ષા અંગે 63 સહભાગીઓને માર્ગદર્શન અપાયું

કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : કાર્યસ્થળે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા, તેમના કાનૂની અધિકારો અંગે જાગૃતિ ફેલાવવા અને જાતીય સતામણી સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી અંજારની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં વિશાખા ગાઈડલાઈન્સ અને કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ, 2013 (POSH) અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ITIના ઇન્ચાર્જ આચાર્ય રોહિતભાઈ નાઈ સહિત સંસ્થાનો સ્ટાફ, શિક્ષિકાઓ અને જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર (DHEW)ની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ જાગૃતિ અભિયાનમાં કુલ 63 સહભાગીઓએ ભાગ લીધો હતો.

DHEWનાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસે કાર્યસ્થળે જાતીય સતામણીના વિવિધ સ્વરૂપો, કાર્યસ્થળની કાયદાકીય વ્યાખ્યા, ફરિયાદ નોંધાવવાની પદ્ધતિ અને પીડિત મહિલાઓને મળતા કાનૂની રક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવાની સાથે કોઈ અયોગ્ય વર્તનનો સામનો કરવો પડે તો યોગ્ય માધ્યમથી ફરિયાદ કરવા અંગે જાણકારી રાખવી જરૂરી હોવાનું સમજાવ્યું હતું.

કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના SHe-Box પોર્ટલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ પોર્ટલ પર કાર્યસ્થળે જાતીય સતામણી સંબંધિત ફરિયાદ કેવી રીતે નોંધાવવી, ઓનલાઈન વ્યવસ્થાનો ઉપયોગ કઈ રીતે કરવો અને ફરિયાદ મળ્યા બાદ સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ તથા જનરક્ષક પ્રોજેક્ટ 112 વિશે પણ સહભાગીઓને માહિતગાર કરાયા હતા.

માત્ર કાયદાકીય જાગૃતિ જ નહીં, પરંતુ સમાજમાં રહેલા જાતિગત ભેદભાવને દૂર કરવાનો સંદેશ પણ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. કોઈ કામને ચોક્કસ જાતિ કે લિંગ સાથે જોડવાની માનસિકતા બદલવા અને દરેક વ્યક્તિને સમાન તક તથા સન્માન મળે તે માટે વ્યક્તિગત સ્તરેથી પરિવર્તન લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપ્તીબેન ઠક્કર, SFL ક્રિષ્નાબેન ભુડિયા સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા. DHEWની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે ITIના શિક્ષક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande