
વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ હપ્તાની સહાય મેળવવા iKhedut 2.0 પર નવી પ્રોફાઈલ, આધાર વેરિફિકેશન અને બેંકની વિગતો અપડેટ કરવી ફરજિયાત
કચ્છ, 23 ઓક્ટોબર (હિ.સ.) : દેશી ગાયના આધાર પર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારની સહાય યોજનાને લઈને મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. ‘દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના’ હેઠળ અગાઉથી લાભ મેળવતા ખેડૂતોએ હવે નવા iKhedut 2.0 પોર્ટલ પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ખાસ કરીને વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ હપ્તાની સહાય મેળવવા માટે જૂના લાભાર્થીઓએ નવેસરથી રજિસ્ટ્રેશન કરાવવાની સાથે આધાર વેરિફિકેશન પણ ફરજિયાતપણે કરાવવાનું રહેશે.
રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં આર્થિક મદદ મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કચ્છ જિલ્લામાં જે ખેડૂતોની અરજીઓ વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન જૂના iKhedut 1.0 પોર્ટલ પર મંજૂર થઈ હતી અને જેમને માર્ચ ૨૦૨૬ સુધી યોજનાનો લાભ મળ્યો છે, તેમણે પણ આ નવી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના પ્રથમ હપ્તાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ સૌપ્રથમ iKhedut 2.0 પોર્ટલ પર પોતાની ફિઝિકલ પ્રોફાઈલ તૈયાર કરાવવી પડશે. ત્યારબાદ આધાર વેરિફિકેશન કરાવીને બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પોર્ટલ પર ઉપલબ્ધ ‘આત્મા-ગાય યોજના’ વિભાગમાં જઈને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ખેડૂતોને આ અંગે અગાઉથી ટેલિફોનિક સંપર્ક, રૂબરૂ મુલાકાત અને ડિજિટલ માધ્યમો દ્વારા જાણ કરવામાં આવી રહી છે. આત્મા વિભાગના કર્મચારીઓ, ખેડૂત મિત્રો, કૃષિ સખીઓ અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા પણ લાભાર્થીઓને પ્રક્રિયા પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમ છતાં, અનેક જૂના લાભાર્થીઓએ હજુ સુધી નવી પ્રોફાઈલ બનાવી નથી. સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો તેઓ પ્રથમ હપ્તાની સહાય મેળવવાથી વંચિત રહી શકે છે.
આથી કચ્છ જિલ્લાના તમામ જૂના લાભાર્થી ખેડૂતોને વહેલી તકે જરૂરી કામગીરી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે. પ્રોફાઈલ બનાવવા અને આધાર વેરિફિકેશન માટે ખેડૂતો ગ્રામ પંચાયતના VCE, ખેડૂત મિત્ર, તાલુકાના આત્મા વિભાગના સ્ટાફ અથવા ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજનો સંપર્ક કરી શકે છે. આ અંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ખેડૂતોને સમયમર્યાદામાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar