
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) વિપક્ષોના વિરોધ આંદોલનો સામે ભાજપ દ્વારા આગામી મંગળવારે રાજકોટમાં 'લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો' વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજકોટ શહેરમાં આગામી મંગળવારે સાંજે 5 વાગ્યે બહુમાળી ભવન ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી આ યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા માલવીયા ચોક અને ત્રિકોણબાગ થઈને વિવેકાનંદ પ્રતિમા સુધી પહોંચશે. વિપક્ષો દ્વારા દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનોનો જવાબ આપવા તથા લોકશાહીના મૂલ્યોને ઉજાગર કરવા માટે ભાજપ દ્વારા રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાજકોટમાં આ યાત્રા યોજાઈ રહી છે.
આ રેલીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અનિરૂધ્ધ દવે અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટના સાંસદો, ધારાસભ્યો અને અંદાજે 10000 જેટલા સક્રિય ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. આ અંગેની આખરી તૈયારીઓ અને આયોજન માટે પ્રદેશ સ્તરે બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt