રાજકોટના લાખાપર ગામ પાસેથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા
રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા લાખાપર ગામ નજીકથી એન્ટી નારકોટિક્સ વિંગની ટીમે એક કારમાંથી ૧૯ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનના સાંચ
એમડી ડ્રગ્સ સાથે આરોપીઓ ઝડપાયા


રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા લાખાપર ગામ નજીકથી એન્ટી નારકોટિક્સ વિંગની ટીમે એક કારમાંથી ૧૯ ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનના સાંચોર ખાતેથી રાજારામ નામના શખ્સ પાસેથી ખરીદીને રાજકોટ લાવવામાં આવી રહ્યો હતો. સંબંધીત મુદ્દામાલ જપ્ત કરીને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ‘સે નો ટુ ડ્રગ્સે’ મિશન અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક બ્લુ કલરની બલેનો કાર નંબર જીજે-33-કે-0499 માં ભાવનગર રોડ પરથી ડ્રગ્સનો જથ્થો રાજકોટ તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે લાખાપર પાસે આવેલા જે.કે. પેટ્રોલિયમ પંપ નજીક ગોઠવાયેલી વોચ દરમિયાન શંકાસ્પદ કારને કોર્ડન કરીને અટકાવવામાં આવી હતી.

કારમાંથી મળી આવેલા બે શખ્સોની ઓળખ અસલમ ઇબ્રાહીમભાઇ બેલીમ (ઉંમર વર્ષ ૫૫, રહે. જંગલેશ્વર, રાજકોટ) અને સાહીલ રહેમાનભાઇ ખોખર (ઉંમર વર્ષ ૨૬, રહે. ગઢડા, જી. બોટાદ) તરીકે થઈ છે. ઝડપાયેલા અસલમ સામે ૧૯૯૭માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તે લાંબો સમય જેલમાં રહ્યા બાદ ચારેક મહિના પહેલા જ છૂટ્યો હતો. ગઢડાના સાહીલે કાર તથા નાણાંની વ્યવસ્થા કરી આપતા બંને રાજસ્થાનથી ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા.

પોલીસે આ કામગીરી દરમિયાન રૂ. ૫૭,૦૦૦ની કિંમતનું ૧૯ ગ્રામ એમડી ડ્રગ્સ, રૂ. ૫,૦૦,૦૦૦ની કિંમતની બલેનો કાર, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૬,૧૮,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળે એફએસએલ અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરાવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande