
જુનાગઢ,23 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારી-કર્મચારીઓ સહિતના નાના ભૂલકાંઓ માટે ઘોડિયાઘરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ એક નાના ભૂલકાના હસ્તે જ રંગબેરંગી અને બાળકોને મનગમતું વાતાવરણ મળી રહે તેવા સુસજ્જ ઘોડિયાઘરને ખુલ્લુ મુકાવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ શીર્ષ અધિકારીઓએ નાના ભૂલકાંઓને ઘોડિયાઘરમાં આવકાર્યા હતા અને હળવાશથી નાના ભૂલકાંઓ સાથે વાતચીત કરી વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરીમાં ખૂબ મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરે છે. ખાસ કરીને ઘણા યુવા કર્મચારીઓ છે અને જ્યારે પતિ-પત્ની બંને સરકારી સેવા બજાવતા હોય ત્યારે બાળકોની સારસંભાળનો પણ એક પ્રશ્ન રહેતો હોય છે. ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાઓ તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને અહીં ઘોડિયાઘર શરૂ કરવામાં આવ્યું છે. જેથી અધિકારી-કર્મચારીઓના નાના ભૂલકાંઓને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે આ ઘોડિયાઘર શરૂ કરવામાં આવ્યું છે. જેથી કર્મચારીઓ પણ નિશ્ચિંતપણે સેવાઓ બજાવી શકે. નાના ભૂલકાઓની સાર સંભાળ માટે કેર ટેકર બહેનો પણ સેવારત રહેશે.
આ ઘોડિયાઘરને બાળકોને પ્રિય એવા રંગબેરંગી કાર્ટૂન ચિત્રો લગાવીને સજ્જ કરવામાં આવ્યું છે. ઉપરાંત, બાળકોને ગમતું વાતાવરણ મળી રહે તે માટે અવનવી ગેમ્સ, રમકડાં વગેરે રાખવામાં આવ્યાં છે. આ ઘોડિયા ઘરને વન્ય પ્રાણીઓ, ફ્રુટ, ઘડિયા એબીસીડી વગેરેના આકર્ષક ચિત્રોથી સુસજ્જ બનાવવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરીમાં ઘોડિયાઘરની સુવિધા સંદર્ભે પ્રતિભાવ આપતાં નાયબ મામલતદાર અરુણા તરૂણાબેન ભુતૈયાએ જણાવ્યું હતું કે, આ ઘોડિયાઘર શરૂ થવાથી ખાસ કરીને મહિલા કર્મચારીઓ પોતાની ફરજ સારી રીતે બજાવી શકવાની સાથે પોતાના બાળકોની પણ સારસંભાળ લઈ શકશે. તેમણે આ સુવિધા શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે કલેકટર કચેરીના અધિકારી- કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ