
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : ચાણસ્મા નગરમાં આંગણવાડી સુપરવાઈઝર દીપિકા આચાર્યની ઉપસ્થિતિમાં નગરની તમામ આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન નગરની વિવિધ આંગણવાડીઓમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં બાળકોની સંખ્યા વધારવા તેમજ બાળકો નિયમિત રીતે આંગણવાડીમાં આવે તે માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુપરવાઈઝરે કાર્યકરોને બાળકોને આંગણવાડી તરફ આકર્ષિત કરવા માટે વિશેષ પ્રયાસો કરવા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં બાળકોને શિક્ષણની સાથે રસ પડે તેવી પ્રવૃત્તિઓ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાળકોને રમતો રમાડવા, અંક અને શબ્દો સરળતાથી સમજાવવા તેમજ નવીન શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા સૂચના આપવામાં આવી હતી. આંગણવાડીમાં બાળકોને આનંદદાયક વાતાવરણ મળે અને તેઓ નિયમિત હાજરી આપે તે માટે કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેમ જણાવાયું હતું. આ ઉપરાંત, આંગણવાડીની કામગીરી વધુ અસરકારક બને તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આંગણવાડીની સેવાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ધાત્રી માતાઓ અને કિશોરીઓને આંગણવાડી સુધી લાવવા તેમજ પોષણક્ષમ આહાર અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ પ્રયાસો કરવા સૂચના અપાઈ હતી. બેઠક દરમિયાન સુપરવાઈઝર દીપિકા આચાર્યએ કાર્યકરોને બાળકોને લગતી કોઈ સમસ્યા કે વહીવટી મુશ્કેલી હોય તો નિઃસંકોચ રજૂ કરવા જણાવ્યું હતું અને તેના ઉકેલ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં દીપિકાબેન સહિત ચાણસ્મા નગરની તમામ આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ