પાટણના અનુજ મોદીએ સીએ ઇન્ટરમાં ઓલ ઇન્ડિયા 9મો ક્રમ મેળવી પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર-2026માં યોજાયેલી CA ઇન્ટરમિડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં પાટણના યુવાન અનુજ મોદીએ 600માંથી 477 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા લેવલે 9
પાટણના અનુજ મોદીએ CA ઇન્ટરમાં ઓલ ઇન્ડિયા 9મો ક્રમ મેળવી પરિવારનું સ્વપ્ન સાકાર કર્યું


પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા સપ્ટેમ્બર-2026માં યોજાયેલી CA ઇન્ટરમિડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષામાં પાટણના યુવાન અનુજ મોદીએ 600માંથી 477 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા લેવલે 9મો ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવતાં અનુજે પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

અનુજે પોતાની સફળતા માટે નિયમિત અભ્યાસ, મહેનત અને એકાગ્રતાને શ્રેય આપ્યો હતો. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોવાથી શરૂઆતમાં અંગ્રેજીમાં વિષય સમજવામાં અને જવાબો લખવામાં મુશ્કેલી પડતી હતી. જોકે, દરરોજ ઓછામાં ઓછા છ કલાક વાંચન અને લેખનનો અભ્યાસ કરીને તેણે આ પડકારને પાર કર્યો હતો. પરીક્ષાની તૈયારી દરમિયાન અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે તેણે પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડીએક્ટિવેટ કરી દીધાં હતાં.

અનુજની આ સિદ્ધિ પાછળ પરિવારની લાગણીસભર પ્રેરણા પણ જોડાયેલી છે. તેના પરદાદાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન હતું, પરંતુ તે સમયની આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ આ સ્વપ્ન પૂરું કરી શક્યા નહોતા. હવે અનુજે CA ઇન્ટરમિડિએટમાં ઓલ ઇન્ડિયા 9મો ક્રમ મેળવીને એ સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેની આ સફળતાથી પરિવારજનો, સ્નેહીજનો અને સ્થાનિક અગ્રણીઓમાં ખુશીની લાગણી છવાઈ છે અને તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande