
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર શહેરમાં પરમિટના નિયમોની સરેઆમ અવગણના કરીને વાહનોમાં મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા ચાલકો સામે પોલીસ અને એસ.ટી. વિભાગ દ્વારા સંયુક્ત ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરમાંથી કુલ ૧૬ વાહનો ડિટેઈન કરવામાં આવતા નિયમભંગ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરના અતિ વ્યસ્ત વિસ્તારો ગણાતા સંતોષી માતા મંદિર, સુભાષબ્રિજ અને સાત રસ્તા સર્કલ સહિતના મુખ્ય સ્થળો પર ટ્રાફિક પોલીસ અને એસ.ટી. વિભાગની સંયુક્ત ટીમે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પરમિટ વગર અને નિયમો વિરુદ્ધ પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પેસેન્જરોની હેરફેર કરતા ઝડપાયેલા વાહનોમાં ૧૪ ઇકો કાર, ૧ મિની બસ અને ૧ અર્ટિગા કાર સહિત કુલ ૧૬ વાહનો મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક ધોરણે ડિટેઈન કરી લીધા હતા. આ ઉપરાંત, અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે પણ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સફળ ડ્રાઇવ ટ્રાફિક પી.આઈ. એસ.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં પીએસઆઈ એ.એચ. ચોવટ, આર.સી. જાડેજા અને એસ.ટી. વિભાગના એસ.એસ.આઈ. એસ.બી. લખતરિયા સહિતના અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તંત્રની આ લાલ આંખથી ગેરકાયદે ચાલતી પેસેન્જર હેરાફેરીને મોટો આંચકો લાગ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt