
પાટણ, 24 ઓક્ટોબર (હિ.સ.) સિદ્ધપુરમાં બલવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતો ‘છેલ છબીલા દાંડિયા રાસ-2026’ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજની આંબાવાડી સ્થિત લાલન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, સામાજિક અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ સાથે ગરબાની રમઝટ જામી હતી અને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, વિષ્ણુ પટેલ, પ્રમોદ પટેલ, કૌશલ જોશી, મિહિર પાધ્યા, નિરંજન ઠાકર, સંજય શુક્લા, કનુ પંચાલ, સોનલ ઠાકર અને જેકીભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સદાબહાર ગ્રુપ અને બલવીર ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. બલવીર ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોએ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી સહિતના મહાનુભાવોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ ચાચર ચોકમાં માતાજીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ ગરબામાં જોડાઈને નગરજનો સાથે મુલાકાત કરી હતી. ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ બલવીર ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમગ્ર આયોજક ટીમને સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ