
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા માટે જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા દોઢ મહિના દરમિયાન શહેરમાં ખુલ્લા પ્લોટ, જાહેર રસ્તાઓ અને ઓપન પોઇન્ટ પર કચરો ફેંકનારા અંદાજે 1,300 જેટલા આસામીઓ સામે કાર્યવાહી કરીને તંત્ર દ્વારા રૂ. 14.40 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. મનપાની આ સઘન ઝુંબેશથી જાહેરમાં કચરો ફેંકતા લોકોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોમાં દૈનિક ધોરણે 'ડોર ટુ ડોર' ગાર્બેજ કલેક્શનની વાહનો દ્વારા કચરો એકત્ર કરવાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ છતાં, કેટલાક બેદરકાર નાગરિકો અને વેપારીઓ કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને ખુલ્લી જગ્યાઓમાં ફેંકીને શહેરના જાહેર આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આથી, શહેરની સુખાકારી અને સ્વચ્છતા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ચેકિંગ અને દંડની કામગીરી વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે.
તંત્ર દ્વારા નગરજનો અને વેપારીઓને પોતાના ઘરો તેમજ ધંધાકીય એકમોનો કચરો માત્ર ડસ્ટબિનમાં એકત્ર કરી કચરાગાડીમાં જ આપવા ખાસ વિનંતી કરવામાં આવી છે. મનપાએ સ્પષ્ટતા કરી છે કે આ ઝુંબેશ માત્ર દંડ વસૂલવા માટે નહીં પરંતુ શહેરમાં સ્વચ્છતાની ટેવ કેળવવા માટે છે. જામનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાગરિકો પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ સમજે, જાહેરમાં કચરો ફેંકવાનું ટાળે અને મહાનગરપાલિકાની આ સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિય સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt