જામનગરમાં 10 લાખની છેતરપિંડી: કોલસાના વેપારીને એક વર્ષની સજા અને 15 લાખનો દંડ
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની ગ્રેઈન માર્કેટમાં વેપાર કરતી રાજેન્દ્રકુમાર એન્ડ કંપની સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડીના કેસમાં અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જય મિનરલ્સ પેઢીના સંચાલક અને સહી કરનારને એક વર્ષની કેદ તથા 15 લાખ રૂપિયા
ફ્રોડ


જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગરની ગ્રેઈન માર્કેટમાં વેપાર કરતી રાજેન્દ્રકુમાર એન્ડ કંપની સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડીના કેસમાં અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જય મિનરલ્સ પેઢીના સંચાલક અને સહી કરનારને એક વર્ષની કેદ તથા 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગતો મુજબ, જામનગરના ફરિયાદી રાજેન્દ્રકુમાર એન્ડ કંપનીના માલિક દ્વારા જુનાગઢના ઝાંઝરડા રોડ પર કોલસાનો વેપાર કરતી 'જય મિનરલ્સ' પેઢીના માલિક અવિનાશ ભાણજી શિયાણી અને ઓથોરાઈઝ્ડ સિગ્નેચરી જગદીશ બળેજા વિરુદ્ધ જામનગર કોર્ટમાં ચેક રિટર્ન થયા અંગેની કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વેપાર સંબંધિત લેવડ-દેવડમાં આપવામાં આવેલા રૂપિયા 10 લાખના ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા, જેને લઈને આ કડક પગલું લેવામાં આવ્યું હતું.

સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલો દ્વારા જામનગર કોર્ટ સમક્ષ ચેક રિટર્નના કાયદાકીય પાસાઓ અને ઉચ્ચ અદાલતોના મહત્ત્વના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓ, દસ્તાવેજો અને બંને પક્ષોની દલીલોને ધ્યાને લીધા બાદ જય મિનરલ્સના માલિક અવિનાશ ભાણજી શિયાણી અને ચેકમાં સહી કરનાર જગદીશ બળેજા બંનેને કસૂરવાર ઠેરવ્યા હતા.

અદાલતે બંને આરોપીઓને એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ રૂપિયા 15 લાખનો દંડ અને હુકમની તારીખથી એક માસની અંદર ફરિયાદીને રૂ. 15 લાખ વળતર તરીકે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. જો દંડ કે વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરવામાં આવે, તો વધુ ચાર માસની વધારાની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં ફરિયાદી તરફથી જામનગરના અનુભવી વકીલો બીમલભાઈ ચોટાઈ, નીલ ચોટાઈ અને મોનીલ ગુઢકા સફળતાપૂર્વક રોકાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande