
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગરના વિશ્વ વિખ્યાત બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અવારનવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કનસુમરા પાટિયા પાસે આવેલી 'કોપેક્સ ઇન્ટરનેશનલ' પેઢી સાથે સામે આવ્યો છે, જ્યાં દિલ્હીની એક કંપનીના સંચાલકે એલ્યુમિનિયમ સ્ક્રેપ મોકલવાના નામે જામનગરના વેપારી સાથે રૂ. 18 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતા અને મૂળ ફાચરીયાના વતની 32 વર્ષીય વૈભવભાઈ રામજીભાઈ ઘાડિયા નામના વેપારીએ દિલ્હી ખાતે રહેતા પંકજ ત્યાગી (ધન ઇન્ડસ્ટ્રિયલ ઇમ્પેક્સ પ્રા. લિ.) સામે બે દિવસ પૂર્વે આપેલી ફરિયાદ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ગુનો નોંધાયો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી પંકજ ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'લિંક્ડઇન' (LinkedIn) એપ્લિકેશન મારફતે વૈભવભાઈનો સંપર્ક કર્યો હતો અને એલ્યુમિનિયમ સ્ક્રેપના વેપાર અંગે વાતચીત શરૂ કરી હતી. બંને વચ્ચે વાટાઘાટો બાદ 52 હજાર કિલો એલ્યુમિનિયમ સ્ક્રેપનો પ્રતિ કિલો રૂ. 198ના ભાવે વેપાર નક્કી કરવામાં આવ્યો હતો. આ સોદો પાકો થતાં આરોપીએ રકમની ચૂકવણી પેટે એડવાન્સ પૈસાની માગણી કરી હતી.
દિલ્હીના વેપારી પર વિશ્વાસ મૂકીને જામનગરના ફરિયાદી વૈભવભાઈએ એડવાન્સ પેટે કુલ રૂ. 20 લાખની રકમ આરોપીને ચૂકવી આપી હતી. જોકે, એડવાન્સ નાણાં મેળવી લીધા બાદ પણ નક્કી થયા મુજબ આરોપી દ્વારા એલ્યુમિનિયમ સ્ક્રેપનો માલ જામનગર ખાતે મોકલવામાં આવ્યો ન હતો. સમય વિતવા છતાં માલ ન પહોંચતા વેપારીને પોતાની સાથે કંઈક ગરબડ થઈ હોવાની શંકા ગઈ હતી.
આથી ફરિયાદીએ આરોપી પાસે કાં તો માલ મોકલી આપવા અથવા એડવાન્સ પેટે આપેલી રકમ પરત આપવા માટે કડક માગણી કરી હતી. જેની સામે આરોપીએ માત્ર રૂ. બે લાખ જ પરત આપ્યા હતા અને બાકીના રૂ. 18 લાખ પચાવી પાડી પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આખરે છેતરપિંડીનો ભોગ બનેલા વૈભવભાઈ ઘાડિયાએ પંકજ ત્યાગી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt