અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓની ભેટ: મુખ્યમંત્રીના હસ્તે 500 કરોડથી વધુના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમદાવાદ,24 ઓકટોબર (હિ.સ.) અમદાવાદમાં 223 કરોડના ખર્ચે આકાર લેશે અત્યાધુનિક ''ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર'': 521 પથારીની ક્ષમતા સાથે ગુજરાત બનશે ન્યુરોલોજી સારવારનું હબ રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત અને સંવેદનાસભ
Gift of state-of-the-art health services Chief Minister inaugurates health projects worth over Rs 500 crore - Khatam Muhurat


અમદાવાદ,24 ઓકટોબર (હિ.સ.) અમદાવાદમાં 223 કરોડના ખર્ચે આકાર લેશે અત્યાધુનિક 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર': 521 પથારીની ક્ષમતા સાથે ગુજરાત બનશે ન્યુરોલોજી સારવારનું હબ

રાજ્યના ખૂણે-ખૂણા સુધી ગુણવત્તાયુક્ત અને સંવેદનાસભર સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલેના હસ્તે 500 કરોડથી પણ વધુના આરોગ્યલક્ષી વિકાસ પ્રકલ્પોની મહાભેટ આપવામાં આવી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલા આરોગ્ય પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ૨૫ વર્ષોમાં દેશ અને રાજ્યના આરોગ્ય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે.સર્વે ભવંતુ સુખીન: સર્વે સંતુ નિરામયા:’ની ભાવના સાકાર કરવા તરફ આજે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મક્કમ ડગલું ભર્યું છે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન અને એફોર્ડેબલ ટ્રીટમેન્ટની ત્રિવેણી દ્વારા ‘હોલિસ્ટિક હેલ્થ કેર’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે,એક સમયે ગંભીર બીમારીના કારણે પરિવારો આર્થિક દેવામાં ડૂબી જતા હતા, પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ 10 લાખ સુધીની મફત સારવાર આપી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં 2.87 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ એનાયત કરાયા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું કે,વર્ષ 2001-02 માં માત્ર 8 મેડિકલ કોલેજો હતી, જે વધીને 2025-26માં 43 થઈ છે.

એમ.બી.બીએસની બેઠકો 1375 થી વધીને 7525 થઈ છે.

આરોગ્ય ક્ષેત્રે ભવિષ્યના આયોજનની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં એઇમ્સ કાર્યરત થઈ છે અને જામનગરમાં વિશ્વનું પ્રથમ 'ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન' આકાર લઈ રહ્યું છે. અમદાવાદ મેડિસિટી ખાતે 223 કરોડના ખર્ચે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જે સ્ટ્રોક, બ્રેઈન ટ્યુમર અને ન્યૂરો સંબંધિત જટિલ બીમારીઓ માટે અદ્યતન સારવાર અને સંશોધન પૂરું પાડશે. નાગરિકોને ‘હેલ્થ કેર અંડર વન અમ્બ્રેલા’ સેવાઓ મળી રહે તે માટે અમદાવાદની જેમ હવે વસઈ અને કામરેજ ખાતે અંદાજે રૂ. 3000 કરોડના ખર્ચે નવી મેડિસિટી વિકસાવવાનું આયોજન છે. સાથો સાથ ગાંધીનગર અને સુરતમાં પણ કાર્ડિયોલોજી તથા ન્યૂરોલોજીની સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે સહિતની વિગતો આપી હતી

મુખ્યમંત્રીએ તબીબો અને આરોગ્ય કર્મચારીઓને અપીલ કરતાં જણાવ્યું કે, માત્ર રોગનું નિદાન અને સારવાર જ નહીં, પરંતુ દર્દી અને તેના પરિવારમાં વિશ્વાસ જગાવી માનસિક સહારો આપવો એ આપણું નૈતિક કર્તવ્ય છે. વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા માટે 'સ્વસ્થ ગુજરાત'નું નિર્માણ કરવા સૌ સાથે મળીને કટિબદ્ધ બનીએ

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. 500 કરોડથી વધુના ખર્ચે રાજ્યભરમાં 255 જેટલી આરોગ્ય સંસ્થાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી છેવાડાના નાગરિક સુધી શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પહોંચશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે 223 કરોડના ખર્ચે નિર્માણ પામનારી 58000 ચોરસ મીટર વિસ્તાર ધરાવતી 525 બેડ અને 13 અદ્યતન ઓપરેશન થિયેટર યુક્ત ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર’ જટિલ ન્યૂરો સંબંધિત બીમારીઓ માટે સંજીવનીરૂપ સાબિત થશે

તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં આ જ સંકુલમાં એક સુસજ્જ ‘સ્પાઇન હોસ્પિટલ’નું પણ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે.

મંત્રીએ રાજ્યના આરોગ્યકર્મીઓ, ડૉક્ટરો અને આશા વર્કરોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, ટીબી મુક્તિ, ચાંદીપુરા વાયરસ તથા મલેરિયા નિયંત્રણ અને માતૃ-બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ગુજરાતે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. તેમણે ઓર્ગન ડોનેશનમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેલી ગુજરાતની હોસ્પિટલો અને 1400 થી વધુ 108 એમ્બ્યુલન્સની અવિરત ઈમરજન્સી સેવાઓ રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતુ

અત્રે ઉલ્લેખનીય છે કે દર્દીને પોતાના વિસ્તારમાં જ સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે તેવા ઉદાત્ત હેતુથી 185 કરોડના ખર્ચે નવનિર્મિત 255 આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ અને 347 કરોડના ખર્ચે થનારી ૪૫ નવી આરોગ્ય ક્ષેત્રે વિકાસ કામગીરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે અમદાવાદ ખાતે 223 કરોડના ખર્ચે આકાર લેનાર 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર'નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું,જે ગુજરાત અને પડોશી રાજ્યોના દર્દીઓ માટે અત્યાધુનિક ન્યુરો સારવારનું નવું આશાકિરણ બનશે.

ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને માનવીય સંવેદનાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના દ્રઢ સંકલ્પ સાથે મુખ્યમંત્રી દ્વારા 500 કરોડથી વધુના આરોગ્યલક્ષી વિકાસ કાર્યોની મહાભેટ આપવા માં આવી હતી

આ પ્રસંગે 223 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર' નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ,આ સંસ્થા 58831 ચોરસ મીટર બિલ્ટ-અપ વિસ્તારમાં આકાર લેશે અને તે 521 પથારીની ક્ષમતા ધરાવશે. આ સેન્ટરમાં 288 જનરલ વોર્ડ બેડ, 160 આઈ.સી.યુ. બેડ, 57 સ્પેશિયલ અને સેમી-સ્પેશિયલ બેડ તેમજ 16 ટ્રાયેજ બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ સંસ્થામાં 13 આંતરરાષ્ટ્રીય ધોરણના ઓપરેશન થિયેટર, ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી, ઇમરજન્સી રેડિયોલોજી, અત્યાધુનિક પ્રયોગશાળા,બ્લડ બેંક, સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસિસ વિભાગ , ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ અને ઇન-હાઉસ ન્યુરો-રિહેબિલિટેશન સેન્ટર જેવી વર્લ્ડ-ક્લાસ સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ સેન્ટર ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યો માટે પણ અદ્યતન ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી સારવારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. સ્ટ્રોક, મગજ અને કરોડરજ્જુની જટિલ બીમારીઓ, અકસ્માતમાં થતી ન્યુરોલોજિકલ ઈજાઓ તથા લાંબા ગાળાના પુનર્વસન માટે આ સંસ્થા દર્દીઓ અને તેમના પરિવારો માટે નવી આશા પૂરી પાડશે.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા,મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય સર્વે અમુલભાઈ ભટ્ટ, કૌશિક જૈન, શહેરી આરોગ્ય કમિશનર સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande