પ્રોહીબીશનના ગુનાઓ પર પોલીસની કડક કાર્યવાહી: આદિપુરના દિપક ઉર્ફે જગીરાને બે મહિના માટે હદપાર કરાયો
પૂર્વ કચ્છમાં ગુનાખોરી પર અંકુશ લાવવા આદિપુર પોલીસની કાર્યવાહી, કચ્છ સહિત આસપાસના જિલ્લાઓમાંથી હદપાર કરવાનો હુકમ કચ્છ, 24 ઓક્ટોબર (હિ.સ.) : પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર, પૂર્વ કચ્છ જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ, એન.ડી.પી.એસ. એ
આદિપુર તડીપાર કરાયેલ આરોપી


પૂર્વ કચ્છમાં ગુનાખોરી પર અંકુશ લાવવા આદિપુર પોલીસની કાર્યવાહી, કચ્છ સહિત આસપાસના જિલ્લાઓમાંથી હદપાર કરવાનો હુકમ

કચ્છ, 24 ઓક્ટોબર (હિ.સ.) : પોલીસ દ્વારા મળતી વિગતો અનુસાર, પૂર્વ કચ્છ જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનાઓ તેમજ પ્રોહીબીશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પોલીસ તંત્રને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાનમાં આદિપુર પોલીસે પ્રોહીબીશનના ગુનાઓ આચરતા શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા, બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આગળ ધપાવવામાં આવી હતી. અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયા દ્વારા સંબંધિત શખસ વિરુદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરીને સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

હદપારીની આ દરખાસ્તને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર દ્વારા મંજૂરી આપવામાં આવતાં આરોપી સામે બે મહિના માટે હદપારીનો હુકમ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીનો હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાનો છે.

હદપાર કરવામાં આવેલા શખસનું નામ દિપક ઉર્ફે જગીરો મોકનદાસ લાલવાણી (ઉંમર 36 વર્ષ) છે. તે મજૂરી કામ કરતો હોવાનું અને આદિપુરના સિંધુ વર્ષા, વોર્ડ નંબર 4/એ, મકાન નંબર 185 ખાતે રહેતો હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગીયા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પૂર્વ કચ્છમાં ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande