
કચ્છ, 24 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે પશ્ચિમ કચ્છ-ભુજની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ભુજ શહેરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નળ સર્કલથી સ્મૃતિવન રોડ તરફ જતા માર્ગ પર શાન-એ-પંજાબ હોટલ પાછળ આવેલી ગલીમાંથી પોષડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી પાસેથી માદક પદાર્થ સહિત કુલ રૂ.34,205નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, SOGની ટીમે ભુજના શંકાસ્પદ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આશારામ ઉર્ફે અશોક માણકરામ ખાબા (બિશ્નોઇ), ઉંમર 32 વર્ષ, રહેવાસી મૂળ ગામ વિષ્ણુ પુરા, કુશલવા, તાલુકો ફલોદી, જિલ્લો જોધપુર, રાજસ્થાન અને હાલ ભુજના કૈલાશનગરમાં રહેતા શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 947 ગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.14,205 હોવાનું જણાવાયું છે.
પોલીસે માદક પદાર્થ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ કબજે કરી હતી. જેમાં આશરે રૂ.10,000ની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂ.10,000ની કિંમતનું એક હોન્ડા મોપેડ સામેલ છે. આમ, પોષડોડા, મોબાઇલ ફોન અને મોપેડ સહિત કુલ રૂ.34,205નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી ભુજ શહેરમાં માદક પદાર્થ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની તપાસ વધુ ચર્ચામાં આવી છે.
આ સમગ્ર કામગીરી પશ્ચિમ કચ્છ-ભુજ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ઝાલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.બી. રબારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ટીમમાં એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ ઝાલા, રઝાકભાઈ સોતા, માણેકભાઈ ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વનરાજસિંહ સોઢા, પોલીસ કોન્સ્ટેબલ દિનેશ ચૌધરી, રવિન્દ્ર રાઠોડ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ મીતેશ રાજગોર જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar