
નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ.સ.). જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત પેરા એશિયન ગેમ્સ 2026માં, ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો. ભારતીય દળે સ્પર્ધાના છેલ્લા દિવસે શુક્રવારે 9 ગોલ્ડ મેડલ જીતીને કુલ 114 મેડલ સાથે પોતાના અભિયાનનું સમાપન કર્યું. આમાં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ગેમ્સમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા તીરંદાજી અને પેરા શૂટિંગમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો.
ભારતે 2023માં હાંગઝોઉમાં આયોજિત અગાઉની પેરા એશિયન ગેમ્સના પોતાના મેડલ પ્રદર્શનને પાછળ છોડી દીધું. અગાઉની આવૃત્તિમાં ભારતે 111 મેડલ (29 ગોલ્ડ, 31 સિલ્વર અને 51 બ્રોન્ઝ) જીત્યા હતા. આ વખતે ભારતે 168 ખેલાડીઓનું દળ ઉતાર્યું હતું, જે અગાઉની આવૃત્તિમાં ભાગ લેનાર ભારતીય દળની સરખામણીમાં ઘણો નાનું હતું. અગાઉની આવૃત્તિમાં ભારતે 303 (191 પુરુષ અને 112 મહિલા ખેલાડીઓ) ખેલાડીઓનું દળ ઉતાર્યું હતું. આમ છતાં, ખેલાડીઓએ મેડલની સંખ્યા અને ગોલ્ડ મેડલના મામલે એક નવો માપદંડ સ્થાપિત કર્યો. સ્પર્ધા દરમિયાન ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું.
એથ્લેટિક્સમાં મેડલની વર્ષા, સુમિત અંતિલે અપાવ્યો ગોલ્ડ
ભારતીય એથ્લેટ્સે ફરી એકવાર દેશના મેડલ અભિયાનમાં સૌથી મોટો ફાળો આપ્યો. એથ્લેટિક્સમાં ભારતે કુલ 65 મેડલ જીત્યા. છેલ્લા દિવસે ભાલા ફેંકમાં સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીતીને ભારતીય તિરંગાનું ગૌરવ વધાર્યું. પેરાલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સુમિતે પુરુષોની સંયુક્ત વર્ગ સ્પર્ધામાં 72.46 મીટર ભાલો ફેંકીને પોતાનો ખિતાબ જાળવી રાખ્યો.
આ સ્પર્ધામાં ભારતે ત્રણેય મેડલ પોતાના નામે કર્યા. મહેન્દ્ર ગુર્જરે 59.03 મીટરના પ્રદર્શન સાથે સિલ્વર, જ્યારે સંદીપ સંજય સરગરે 64.48 મીટર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો. સંયુક્ત વર્ગની આ સ્પર્ધામાં ખેલાડીઓની અલગ-અલગ શ્રેણીઓ અનુસાર નિર્ધારિત ગુણના આધારે અંતિમ ક્રમ નક્કી કરવામાં આવ્યો.
પુરુષોની ક્લબ થ્રો એફ-51 સ્પર્ધામાં પ્રણવ સૂરમાએ 32.87 મીટરના ગેમ્સ રેકોર્ડ પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ધરમબીરે 27.71 મીટરના પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. પુરુષોની 400 મીટર ટી-64 દોડમાં સંદીપે 52.28 સેકન્ડનો સમય કાઢીને ગોલ્ડ મેડલ જીતવાની સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ જ સ્પર્ધામાં અજય કુમારે 53.61 સેકન્ડના ગેમ્સ રેકોર્ડ સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
પુરુષોની ભાલા ફેંક એફ-37/38 સ્પર્ધામાં હનેયે, 60.49 મીટરનો વર્લ્ડ રેકોર્ડ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. જ્યારે, પુરુષોની ભાલા ફેંક એફ-40/41 સ્પર્ધામાં નવદીપે, 42.55 મીટરના પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. રાકેશભાઈ ભટ્ટે પુરુષોની 200 મીટર ટી-37 દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. સંદીપે પુરુષોની 100 મીટર ટી-44 દોડમાં 11.67 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને પોતાના અભિયાનનું સમાપન કર્યું.
પેરા બેડમિન્ટનમાં નિતેશ અને થુલાસિમથીનો જલવો
પેરા બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને દેશની મેડલ ટેલીને મજબૂત બનાવી. પેરાલિમ્પિક ચેમ્પિયન નિતેશ કુમારે પુરુષ સિંગલ્સ એસએલ-3ની ફાઇનલમાં પોતાના દેશબંધુ પ્રમોદ ભગતને 21-18, 21-16થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. નિતેશે સીધા ગેમમાં જીત નોંધાવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. મિશ્ર ડબલ્સ એસએલ-3-એસયુ-5માં થુલાસિમથી મુરુગેશન સાથે રમતા તેમણે સિલ્વર મેડલ પણ જીત્યો.
પુરુષ સિંગલ્સ એસએલ-4ની ફાઇનલમાં નવીન શિવકુમારે, ઇન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાનને 21-9, 21-17થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. મહિલા ડબલ્સ એસએલ-3-એસયુ-5માં થુલાસિમથી મુરુગેશન અને માનસી જોષીની જોડીએ ચીનની યાંગ ક્યુશિયા અને શિયાઓ જુશિયાનને 21-16, 21-13થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.
થુલાસિમથીએ મહિલા સિંગલ્સ એસયુ-5માં પણ સિલ્વર મેડલ મેળવ્યો. આ ઉપરાંત, નિત્યા શ્રી સુમતિ સિવને મહિલા સિંગલ્સ એસએચ-6માં સિલ્વર મેડલ જીત્યો. આમ, ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડીઓએ અનેક સ્પર્ધાઓમાં મેડલ જીતીને પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી.
મોના અગ્રવાલે વર્લ્ડ રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ
પેરા શૂટિંગમાં મોના અગ્રવાલે મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન એસએચ-1 સ્પર્ધામાં 357.5 અંક મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ પ્રદર્શન સાથે તેમણે વર્લ્ડ રેકોર્ડ અને પેરા એશિયન ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો. આ સ્પર્ધામાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય પેરા શૂટર પણ બન્યા.
મોનાએ આ પહેલા મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચ-1 સ્પર્ધામાં 250.0 અંક મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન તેમણે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો અને પોતાના દેશબંધુ અવની લેખરાને પાછળ છોડ્યા. અવનીએ 249.6 અંક સાથે સિલ્વર મેડલ મેળવ્યો. મોનાએ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારતના અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
તીરંદાજીમાં હરવિંદર સિંહ અને વિજય સુંડીની જોડી ચમકી
પેરા તીરંદાજીમાં પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ અને પદાર્પણ કરી રહેલા વિજય સુંડીએ, પુરુષ રિકર્વ ડબલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ ફાઇનલમાં ચીનના યુન ડુઓ અને ઝાઓ લિશુએને 5-1થી હરાવ્યા.
મહિલા રિકર્વ ડબલ્સમાં ભાવના ચૌધરી અને પૂજા જાટ્યાને સિલ્વર મેડલ મેળવ્યો. ભારતીય જોડીને ફાઇનલમાં ચીનની ગાઓ ઝિહાન અને વાંગ શુએચિયાન સામે 0-6થી હારનો સામનો કરવો પડ્યો. આ સિલ્વર મેડલ સાથે ભારતે આ સ્પર્ધામાં પેરા એશિયન ગેમ્સનો પોતાનો પ્રથમ મેડલ પણ મેળવ્યો.
સ્વિમિંગમાં પણ ભારતીય ખેલાડીઓએ દેખાડ્યો દમ
ભારતીય પેરા સ્વિમર્સે સ્પર્ધામાં કુલ 11 મેડલ જીતીને અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. હિમાંશુ નાંદલે પુરુષોની 100 મીટર ફ્રીસ્ટાઇલ એસ-11 સ્પર્ધામાં 1 મિનિટ 5.90 સેકન્ડનો સમય કાઢીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે તેમણે સ્પર્ધામાં ત્રણ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા. આ પહેલા તેઓ 400 મીટર ફ્રીસ્ટાઇલ અને 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક S-11 સ્પર્ધાઓમાં પણ ત્રીજા સ્થાને રહ્યા હતા.
હિમાંશુનો જન્મ દ્રષ્ટિ ચેતાની સમસ્યાને કારણે દ્રષ્ટિહીનતા સાથે થયો હતો, પરંતુ તેમણે પોતાના પ્રદર્શનથી ભારતીય દળને ગૌરવ અપાવ્યું. રવિ બુડિગિનાએ પણ બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત ત્રણ મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું.
પેરા ટેબલ ટેનિસમાં પણ મળ્યો મેડલ
પેરા ટેબલ ટેનિસમાં જેહાન દોરાબ મદન અને શુભમ વાધવાની જોડીએ પુરુષ ડબલ્સ એમડી-4 વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 50 વર્ષીય જેહાન ભારતીય દળના સૌથી વયોવૃદ્ધ મેડલ વિજેતા બન્યા. તેમની ઉપલબ્ધિએ સાબિત કર્યું કે, રમતમાં અનુભવ અને દ્રઢ સંકલ્પ પણ સફળતાના મહત્વપૂર્ણ આધાર છે.
ભારતના ખેલાડીઓએ છેલ્લા દિવસે નવ ગોલ્ડ મેડલ જીતીને પોતાના અભિયાનને યાદગાર બનાવ્યું. એથ્લેટિક્સમાં વર્લ્ડ રેકોર્ડ, પેરા બેડમિન્ટનમાં સુવર્ણ સફળતા, શૂટિંગમાં મોના અગ્રવાલનું ઐતિહાસિક પ્રદર્શન અને તીરંદાજીમાં ગોલ્ડ મેડલે ભારતના અભિયાનને નવી ઊંચાઈ આપી. કુલ 114 મેડલ સાથે ભારતીય દળે, પેરા એશિયન ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું અને દેશને ગૌરવ અપાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ