
ભાવનગર,24 ઓક્ટોબર (હિ.સ.) સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સતત જનજાગૃતિ ફેલાવતા ભાવનગરના ડૉ. તેજસ એસ. દોશીને અનોખી ઓળખ મળી છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની કદરરૂપે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘માય સ્ટેમ્પ’ યોજના અંતર્ગત તેમની તસવીર ધરાવતી ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ડૉ. તેજસ દોશી વ્યવસાયે જનરલ ફિઝિશિયન છે અને સ્વચ્છ ભારત મિશન (અર્બન), ભાવનગર મહાનગરપાલિકા તથા ગુજરાત સરકારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કાર્યરત છે. છેલ્લા આશરે 25 વર્ષથી તબીબી સેવા સાથે તેઓ સ્વચ્છતા, પ્લાસ્ટિકમુક્તિ, રિસાયક્લિંગ અને પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
તેમની પહેલમાં કાપડની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતું કોટન બેગ અભિયાન, પ્લાસ્ટિકના યોગ્ય રિસાયક્લિંગ માટેના પ્રયાસો, પ્લાસ્ટિકની બોટલો અને પેકેટમાંથી ઇકો બ્રિક્સ બનાવવાનો પ્રોજેક્ટ તેમજ જૂની પેનનો પુનઃઉપયોગ કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનો ‘જોય ઓફ ગિવિંગ પેન પ્રોજેક્ટ’ સામેલ છે. આ ઉપરાંત ‘નો હોર્નિંગ’ અને ‘ડોન્ટ કટ ધ કોર્નર’ જેવી ઝુંબેશો દ્વારા પણ નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે.
આ સન્માન બદલ ડૉ. તેજસ દોશીએ ભારતીય ટપાલ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રાજકોટ ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ પવન કુમાર દાલમિયા અને ભાવનગર વિભાગના ટપાલ કચેરી અધિક્ષક વિપુલ ગુપ્તાનો સહયોગ બદલ આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું કે આ સન્માન સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ સમર્પણથી કાર્ય કરવાની પ્રેરણા આપે છે. વ્યક્તિની આદતોમાં પરિવર્તન આવે તો સમાજમાં પણ સકારાત્મક બદલાવ શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA