ભાજપ શાસિત જામનગર મનપામાં કોર્પોરેટરની અનોખી જાહેરાત: પાંચ માસથી અટકેલું કામ કરનાર અધિકારીને રૂ.5555નું ઇનામ આપશે
જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં વોર્ડ નંબર 11ના ભાજપના જ કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડે તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા પાંચ માસથી અટકેલું ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરનાર અધિકારીને ત
કોર્પોરેશન


જામનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં વોર્ડ નંબર 11ના ભાજપના જ કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડે તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા પાંચ માસથી અટકેલું ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરનાર અધિકારીને તેમણે ₹5,555નું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે, જેનાથી મનપાના વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વોર્ડ નંબર 11માં આવેલી શ્યામ ટાઉનશિપ અને સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પાણી રોડ પર વહેવાની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે. ચૂંટણી વખતે ચારેય ભાજપના કોર્પોરેટરોએ આ સમસ્યા વહેલી તકે ઉકેલવાની ખાતરી આપી હતી. ચૂંટણી પૂરી થયા બાદ રહેવાસીઓની સતત ફરિયાદો મળતા કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડે મનપાના સત્તાધીશો અને અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં પરિસ્થિતિ જસની તસ રહી હતી.

અધિકારીઓએ અગાઉ ત્રણ માસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ ત્રણ-ત્રણ વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. તાજેતરમાં સ્થાનિક લેખિત રજૂઆત બાદ મનપાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને ફરીથી અઢી મહિનામાં કામ પૂરું કરવાનું આશ્વાસન આપ્યું હતું. વારંવાર મળતા આશ્વાસનોથી કંટાળીને કોર્પોરેટરે કામ કરનાર અધિકારી માટે ઇનામની આ જાહેરાત કરવી પડી છે.

હાલમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશોને દુર્ગંધ અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, સાથે જ રોડ પર અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે. જામનગરમાં ભાજપનું બોર્ડ હોવા છતાં અને વોર્ડના ચારેય કોર્પોરેટરો ભાજપના હોવા છતાં પ્રજાના પ્રાથમિક પ્રશ્નો ન ઉકેલાતા મનપાના વહીવટ સામે બુદ્ધિજીવીઓ અને નગરજનોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande