
વોશિંગ્ટન/ઈરાન, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.). હોર્મુઝની સામુદ્રધુનીને લઈને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર અમેરિકા ટૂંક સમયમાં ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે. બીજી તરફ, ઈરાને વચગાળાની સમજૂતી માટેની વાતચીતમાં અવરોધ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું. આ દરમિયાન, હુતીના હુમલાઓનો વ્યાપ વધવાના કારણે અમેરિકાએ ઘણા દેશોમાં આવેલા પોતાના દૂતાવાસોમાંથી કર્મચારીઓને પાછા બોલાવવાનું શરૂ કરી દીધું છે.
અલ જઝીરા અને એક્સિઓસના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકા રવિવાર સુધીમાં ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટનને કાં તો હુમલો કરવો (કામ પૂરું કરવું) પડી શકે છે અથવા તો તેહરાન સાથે કોઈ સમજૂતી થઈ શકે છે.
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનએ વચગાળાની સમજૂતીની વાતચીત તૂટવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે અમેરિકનોને કાયર ગણાવ્યા અને કહ્યું કે તેમણે બધું બગાડી દીધું છે. તેમણે કહ્યું કે, તેમ છતાં તેહરાન સમજૂતી કરવાનો પ્રયાસ ચાલુ રાખે.
અમેરિકી અધિકારીઓને આશંકા છે કે, યમનમાં ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓ પોતાના હુમલાઓનો વ્યાપ સાઉદી અરેબિયાથી આગળ વધારીને ક્ષેત્રના અન્ય દેશો સુધી ફેલાવી શકે છે. સુરક્ષાની આ અસ્થિર સ્થિતિ વચ્ચે, ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ફરીથી સૈન્ય અભિયાન શરૂ થવાની સંભાવના પણ રહેલી છે. શુક્રવારે ફ્લોરિડામાં એક રેલી દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, હોઈ શકે છે કે અમે એક વધુ નાનું 'ઓપરેશન એપિક ફ્યુરી' ચલાવીએ.
આ સપ્તાહની શરૂઆતમાં વિદેશ વિભાગે રિયાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ, જેદ્દાહ અને દહરાનમાં આવેલા વાણિજ્ય દૂતાવાસોમાંથી કર્મચારીઓના પરિવારો અને બિન-જરૂરી કર્મચારીઓને પાછા ફરવાનો આદેશ આપ્યો. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે વિભાગે સંયુક્ત આરબ અમીરાત, લેબનોન, કતાર અને જોર્ડનમાં આવેલા અમેરિકી દૂતાવાસોમાંથી પણ પોતાના રાજદ્વારી અને સરકારી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો આદેશ આપ્યો. અધિકારીએ કહ્યું, અમે નક્કી કર્યું છે કે હુતી હુમલાઓ અને ઈરાની આતંકી ષડયંત્રોના ખતરાને જોતા, આપણે આપણી હાજરી ઘટાડવી જોઈએ અને ફક્ત જરૂરી કર્મચારીઓને જ રાખવા જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ