રાજકોટ સહિત ગુજરાતના ૨૮૨થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી આગામી ૧૮મી ડિસેમ્બરે યોજાશે
રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના તમામ વકીલ મંડળો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત તમામ ૨૮૨થી વધુ બાર એસોસિએશનની ચૂંટણીઓ આગામી ૧૮મી ડિસેમ્બરે એક જ દિવસે યોજાશે. બાર કાઉન્સિ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત


રાજકોટ, 26 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા રાજ્યના તમામ વકીલ મંડળો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત તમામ ૨૮૨થી વધુ બાર એસોસિએશનની ચૂંટણીઓ આગામી ૧૮મી ડિસેમ્બરે એક જ દિવસે યોજાશે. બાર કાઉન્સિલની અસાધારણ સભામાં ચૂંટણી માટેનો સત્તાવાર અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત બાર કાઉન્સિલના સત્તાવાર કાર્યક્રમ અનુસાર, રાજ્યના દરેક બાર એસોસિએશને પોતાના નોંધાયેલા વકીલ-સભ્યોની યાદી તા.૨૦ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં કાઉન્સિલની કચેરીમાં મોકલી દેવાની રહેશે. ચૂંટણી અધિકારીની નિમણૂંક કરવાની છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર રહેશે અને ૨૩ નવેમ્બરે નોટિસ બોર્ડ પર પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની રહેશે. જા કે, મતદાર યાદી સામે કોઈ વાંધા કે તકરાર અરજી હોય તો તા.૨૫ થી ૨૭ નવેમ્બર દરમિયાન રજૂ કરી શકાશે. તમામ વાંધા અરજીઓની નિકાલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તા.૩૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

મતદાર યાદી આખરી થયા બાદ ચૂંટણીની ઉમેદવારી પ્રક્રિયા શરૂ થશે. ઇચ્છુક ઉમેદવારો તા.૧ ડિસેમ્બરથી તા.૫ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે. આ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.૭ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ તા.૮ ડિસેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, ત્યારબાદ તા.૯ ડિસેમ્બરે ચૂંટણી લડતા ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે. સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ તા.૧૮ ડિસેમ્બરે મતદાન યોજાશે.

ગુજરાત બાર કાઉન્સિલે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ બાર એસોસિએશન માત્ર સામાન્ય સભામાં ઠરાવ કરીને હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણૂંક કરી શકશે નહીં. જે મંડળોમાં ચૂંટણી યોજવાની થતી હોય તેમણે ‘ગુજરાત બાર એસોસિએશન નિયમો-૨૦૧૫’ના નિયમ-૪૯ મુજબ ફરજિયાતપણે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. આ નિયમનો ભંગ કરીને કરવામાં આવેલી કોઈપણ બિનહરીફ કે ઠરાવ આધારિત નિમણૂંક અમાન્ય ગણાશે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા, રાજ્યના તમામ ૨૮૨થી વધુ બાર એસોસિએશનમાં મહિલાઓ માટે ૩૦ ટકા બેઠકો અનામત રાખવાની રહેશે. આ અનામત જોગવાઈ હેઠળ એક્ઝિક્યુટિવ મેમ્બર અથવા ટ્રેઝરર (ખજાનચી) જેવી સીટો મહિલા વકીલો માટે અનામત રાખવામાં આવશે. આ જગ્યાઓ પર મહિલા ઉમેદવારોની ઉમેદવારી નોંધાયા બાદ જ નિયમ મુજબ આગળની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર પાડવામાં આવશે.

તા.૧૮ ડિસેમ્બરે મતદાન અને મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ પરિણામોની સત્તાવાર માહિતી ગુજરાત બાર કાઉન્સિલની કચેરીને મોકલવાની રહેશે. જો કોઈપણ ઉમેદવાર કે વકીલને ચૂંટણીના પરિણામો સામે વાંધો હોય, તો તેઓ ‘રૂલ્સ-૨૦૧૫’ના નિયમ-૪૯(જી) મુજબ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસની અંદર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિત ફરિયાદ કરી શકશે. જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ ૨૮૨ વકીલ મંડળોએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande