
જામનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) ચાલુ વર્ષે ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાતા સર્જાયેલી પાણીની તંગી અને દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો તેમજ પશુપાલકો માટે વિશેષ આર્થિક સહાય અને રાહત પેકેજની જાહેરાત કરી છે.
ચાલુ ચોમાસા દરમિયાન રાજ્યમાં સરેરાશ 89 ટકા જ વરસાદ નોંધાયો છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ઓછો વરસાદ પડવાને લીધે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. નદીઓ, તળાવો અને જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીનું સ્તર ઘટતા આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને વૈકલ્પિક આયોજનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ઓછા વરસાદ અને પાણીની અછતના કારણે રાજ્યના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાંથી ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લેતા પાક નુકસાની સામે સહાય આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રભાવિત ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા ૮૫૦૦ ની સહાય મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ આર્થિક સહાયથી ખેડૂતોને આગામી સમયમાં ફરીથી બેઠા થવા માટે મોટો આર્થિક સહારો મળી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અપૂરતા વરસાદના કારણે કુદરતી ઘાસ અને પાણીના સ્ત્રોત સંપૂર્ણપણે ખૂટી પડ્યા છે. સૌની યોજનાનો સપ્લાય બંધ કરવાની ફરજ પડવાથી મોટાભાગના વિસ્તારોમાં પાણીનું વિતરણ ખોરવાઈ ગયું છે. બજારમાં ઘાસચારાના ઊંચા ભાવ હોવાના કારણે પશુપાલકો માટે પોતાના મૂંગા પશુઓનું ભરણપોષણ કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે. દૈનિક કમાણી પર નિર્ભર રહેતા પરિવારોની હાલત કફોડી બની છે અને પશુધનને બચાવવા માટે માલધારી સમાજ દ્વારા તાત્કાલિક વિશેષ આર્થિક રાહત પેકેજ જાહેર કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
ઘાસ અને પાણીની અછતના કારણે પશુધનને જીવિત રાખવા માટે અનેક માલધારીઓને ઘરબાર છોડીને પશુઓ સાથે અન્યત્ર સ્થળાંતર (હિજરત) કરવાની ફરજ પડી છે. માલધારી સમાજ દ્વારા પંચાયતો અને મહાનગરપાલિકાઓ દ્વારા રાહત દરે પૂરતો ઘાસચારો પૂરો પાડવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ શરૂ કરવા તેમજ પીવાના પાણી માટે ટેન્કર સુવિધા ગોઠવવાની માંગ કરાઈ હતી. જો તંત્ર દ્વારા વહેલી તકે નક્કર પગલાં નહીં ભરાય તો પશુધન વગર માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, જેને પગલે સરકારે ઘાસચારા અને પાણીની યોગ્ય વ્યવસ્થાનું આશ્વાસન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt