




એક્સ્પોમાં બીજા દિવસે ગુજરાતના પર્યાવરણ રાજ્યકક્ષા મંત્રી પ્રવીણ માળીએ વિશેષ મુલાકાત લીધી
મંત્રીએ એમએસએમઈ માટે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવેલ વિશાળ આયોજનની પ્રશંસા કરી
ભરૂચ 26 ઓક્ટોબર (હિ.સ.)
ગાંધીનગર લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા તા. 23 થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ‘ઉદ્યમ 2026’ ઔદ્યોગિક પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનના બીજા દિવસે ગુજરાત સરકારના પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી એ વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે આશરે બે કલાક જેટલો સમય ફાળવી દરેક સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો અને તેમના ઉત્પાદનો તથા નવીનતાઓ વિશે જાણકારી મેળવી હતી.
મંત્રીએ એમએસએમઈ ક્ષેત્ર માટે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવેલા આ વિશાળ આયોજનની પ્રશંસા કરી અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારોને એક મંચ પર લાવી પ્રોત્સાહિત કરવાના પ્રયાસને બિરદાવ્યો હતો.
આ ‘ઉદ્યમ 2026’માં અધિકારી અને હોદ્દેદારોએ દરેક સ્ટોલની મુલાકાત લઈ તેમના ધંધા અને આગામી સમયની શું જરૂરિયાતો ઉભી થવાની છે તે બાબતે ચર્ચા કરી હતી. લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ ઈશ્વર પટેલ , મહામંત્રી હંસરાજ ગજેરા ,ઉદ્યમ 2026 ના ચેરમેન અને રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ વજુ વઘાસીયા તેમજ બળદેવ પ્રજાપતિના માર્ગદર્શનમાં આ એક્સ્પો યોજાયો હતો જેમાં ખૂબ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો.
આ મુલાકાત દરમિયાન લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિઓ દ્વારા મંત્રીનું સ્વાગત કરી ‘ઉદ્યમ 2026’ અંગે માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ