
- સરસ મેળો 2026માં 16 રાજ્યોના મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ
- એક બહેન આત્મનિર્ભર બને ત્યારે સમગ્ર પરિવાર, ગામ અને રાજ્ય સમૃદ્ધ બને છે: કુંવરજી બાવળિયા
- સ્વદેશી સે શક્તિ, સ્વદેશી સે પ્રગતિના મંત્ર સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલનો અનોખો સંગમ
અમદાવાદ,26 ઓકટોબર (હિ.સ.) ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.
(GLPC) દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સરસ મેળો 2026નું ભવ્ય ઉદ્ઘાટન રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના ગ્રામ વિકાસ મંત્રી સંજયસિંહ મહીડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી સે
શક્તિ, સ્વદેશી સે પ્રગતિના સંકલ્પ સાથે યોજાયેલા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવી તેમના ઉત્પાદનોને શહેરી સ્તરે સીધું બજાર પૂરું પાડવાનો છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
મહિલા સશક્તિકરણ, ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અમદાવાદ ખાતે યોજાઈ રહેલા આ રાષ્ટ્રીય મેળામાં દેશના 16 જેટલા રાજ્યોમાંથી આવેલી બહેનોના 50થી વધુ અને ગુજરાતની બહેનોના 100થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ગામડામાં વસતી બહેનોના કૌશલ્ય અને પરિશ્રમને યોગ્ય ભાવ તેમજ ઓળખ મળે તે માટે આ મેળો એક મહત્વપૂર્ણ સેતુ સાબિત થશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે હવે સખી મંડળો માત્ર નાની બચત પૂરતા સીમિત ન રહેતા વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. GLPC મારફતે રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વગર વ્યાજે લોન જેવી નાણાકીય સહાય આપવામાં આવી રહી છે, તેમજ પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ઈ-કોમર્સ જોડાણ માટે બજેટમાં 25 કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે. ‘લખપતિ દીદી’ અભિયાન હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો લખપતિ બની ચૂકી છે અને દેશભરમાં વર્ષ 2028-29 સુધીમાં 6 કરોડ બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ ઉત્પાદનોના કાયમી વેચાણ અર્થે 136 બસ સ્ટેન્ડો પર ‘ગ્રામ હાટ’ શરૂ કરાયા છે, જેને આગામી સમયમાં રેલવે સ્ટેશનો અને યાત્રાધામો સુધી વિસ્તારાશે. સાથે જ, 2,000થી વધુ વસ્તીવાળા ગામોમાં અમૂલ મિલ્ક પાર્લર અને પશુપાલન માટે પણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એક બહેન આત્મનિર્ભર બને ત્યારે સમગ્ર પરિવાર, ગામ અને રાજ્ય સમૃદ્ધ બને છે, અને આ નારીશક્તિ જ વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ 2047’ના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવશે.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી 5 નવેમ્બર સુધી ચાલનારા આ મેળામાં મહિલા કારીગરો દ્વારા
નિર્મિત ગૃહ સુશોભન, હેન્ડીક્રાફ્ટ, પરંપરાગત વસ્ત્રો અને ખાણીપીણીની વિવિધ વાનગીઓના સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. નગરજનો વધુને વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલા ઉદ્યમીઓને વિવિધ યોજનાકીય લાભો, આર્થિક સહાય તથા અમૂલ પાર્લરના એલોટમેન્ટ લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ