એકતા પરેડમાં અંબાજીના બાળકોની ‘હેટ્રિક, નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સતત ત્રીજી વાર ગુંજશે ‘શ્રી શક્તિ સેવા કેન્દ્ર’નું બેગપાઇપર બેન્ડ
ક્યારેક ભીખ કે બાલમજૂરી કરવા મજબૂર બાળકોએ 6 વર્ષની કઠોર તાલીમ અને શિસ્તથી દેશભરમાં ડંકો વગાડ્યો - સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં બેન્ડના 25 બાળકોનું રિહર્સલ શરૂ; સરદાર સાહેબની જન્મજયંતીએ દેશભક્તિના સુમધુર સૂર રેલાવશે. રાજપીપળા, 26 ઓકટોબર (હિ.સ.
Ambaji children's 'hat trick' in Ekta Parade, bagpiper band of 'Shri Shakti Seva Kendra' will resonate for the third consecutive time in the presence of Narendra Modi


- ક્યારેક ભીખ કે બાલમજૂરી કરવા મજબૂર બાળકોએ 6 વર્ષની કઠોર તાલીમ અને શિસ્તથી દેશભરમાં ડંકો વગાડ્યો

- સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં બેન્ડના 25 બાળકોનું રિહર્સલ શરૂ; સરદાર સાહેબની જન્મજયંતીએ દેશભક્તિના સુમધુર સૂર રેલાવશે.

રાજપીપળા, 26 ઓકટોબર (હિ.સ.) : નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાર્મિક અને પ્રાકૃતિક ધામ અંબાજીની પહાડીઓમાં વસતા આદિવાસી બાળકો આજે દેશભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યા છે. ‘શ્રી શક્તિ સેવા કેન્દ્ર’ (SSSK), અંબાજી અને તેના અથાક માર્ગદર્શક પરમાર નિતિનના નેતૃત્વમાં છેલ્લા 16 વર્ષથી ચાલી રહેલું આ ભગીરથ કાર્ય હવે વટવૃક્ષ બની ચૂક્યું છે.

“ભીખ નહીં, શિક્ષણ” ના મૂળમંત્ર સાથે શરૂ થયેલી આ યાત્રાએ ક્યારેક બાલમજૂરી કરવા મજબૂર

બાળકોના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે.અંબાજીના વંચિત આદિવાસી સમુદાયના 14 થી 18 વર્ષની વયના 25 બાળકોને ‘બેગપાઇપર બેન્ડ’નું ખાસ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. છેલ્લા 6 વર્ષથી સતત કઠોર શિસ્ત, નિષ્ઠા અને રિયાઝ સાથે આ બાળકો વિવિધ બેન્ડ સ્પર્ધાઓમાં પોતાની કળાનું પ્રદર્શન કરતા આવ્યા છે. સંગીત અને શિસ્તના આ મિશ્રણે બાળકોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમ વર્કના અદભુત સંસ્કારોનું સિંચન કર્યું છે.

આ બાળકોના કઠોર પરિશ્રમ અને સંસ્થાના સમર્પણનું સૌથી મોટું પરિણામ એ છે કે આ વર્ષે

ગુજરાતના એકતાનગર ખાતે આવેલી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની પવિત્ર ભૂમિ પર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની મહાન જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ‘એકતા પરેડ’ માં આ બાળકો સતત ત્રીજી વખત પોતાનું બેગપાઇપર બેન્ડ પ્રદર્શન આપવા જઈ રહ્યા છે.

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં આ 25 આદિવાસી બાળકો ખૂબ જ ઉત્સાહ અને શિસ્ત

સાથે ગ્રાઉન્ડ પર રિહર્સલ કરી રહ્યા છે. બેન્ડના સૂર જ્યારે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની છાયામાં ગુંજી ઉઠે છે, ત્યારે સમગ્ર એકતાનગર પરિસર દેશભક્તિના માહોલથી ઝૂમી ઉઠે છે.

સરદાર સાહેબના જન્મજયંતી પ્રસંગે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ રૂપે ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનની વિશાળ ઉપસ્થિતિ અને તેમના દિવ્ય દર્શન વચ્ચે અંબાજીના આ બાળકો જ્યારે દેશની શાન સમાન એકતા પરેડમાં કૂચ કરશે, ત્યારે એ ક્ષણ સંસ્થા, સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ બની રહેશે.

પહાડોના ખોળેથી નીકળીને રાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલા આ બાળકો સાચા અર્થમાં “પહાડોમાં

તરાશેલા હીરા” છે. જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો આદિવાસી બાળકો પણ સફળતાના શિખરો સર કરી શકે છે, એ વાત આ બાળકોએ સાબિત કરી બતાવી છે. શક્તિ, શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો આ અદ્ભુત ત્રિવેણી સંગમ ભવિષ્યની પેઢીઓ માટે કાયમ પ્રેરણાદાયી બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande