
નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના દાયરામાં રહેતા ખાનગી વાહન માલિકોને આગામી 1 નવેમ્બરથી વાર્ષિક રાહત દરે સ્થાનિક ફાસ્ટેગ પાસ લેવાનો વિકલ્પ મળશે. આ માટે તેમને ટોલ પ્લાઝાની સ્થિતિ અનુસાર 1,500 કે 3,000 રૂપિયા વાર્ષિક ચૂકવવા પડશે. હાલમાં સ્થાનિક વાહન માલિકો માટે માસિક પાસની વ્યવસ્થા છે, જેના પર દર મહિને 360 રૂપિયાના હિસાબે આખા વર્ષમાં 4,320 રૂપિયા ખર્ચ થાય છે. નવી વ્યવસ્થામાં પાત્ર વાહન માલિકો માસિક પાસ રાખી શકે છે અથવા તેની જગ્યાએ વાર્ષિક રાહત દરે સ્થાનિક પાસ પસંદ કરી શકે છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 26 ઓક્ટોબરે આ સંબંધમાં અધિસૂચના બહાર પાડી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક (દરોનું નિર્ધારણ અને સંગ્રહ) નિયમ-2008માં સુધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ-1956ની કલમ 9 હેઠળ બહાર પાડવામાં આવેલી અધિસૂચના સંખ્યા સા.કા.નિ. 917(અ) અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક (દરોનું નિર્ધારણ અને સંગ્રહ) (પાંચમો સુધારો) નિયમ-2026, 1 નવેમ્બરથી લાગુ પડશે.
નવી વ્યવસ્થા હેઠળ, જે ટોલ પ્લાઝાની આસપાસનો વિસ્તાર નગરપાલિકા કે સ્થાનિક નગર ક્ષેત્રની સીમાની બહાર હશે, ત્યાં વાર્ષિક પાસ માટે 1,500 રૂપિયા ચૂકવવા પડશે. જો ટોલ પ્લાઝા નગરપાલિકા કે સ્થાનિક નગર ક્ષેત્રની સીમાની અંદર હોય, તો વાર્ષિક શુલ્ક 3,000 રૂપિયા થશે. આ રીતે, 1,500 રૂપિયાના પાસ પર હાલના 4,320 રૂપિયાના વાર્ષિક ખર્ચની સરખામણીમાં 2,820 રૂપિયા અને 3,000 રૂપિયાના પાસ પર 1,320 રૂપિયાની બચત થઈ શકે છે. આ સરખામણી 360 રૂપિયાના માસિક પાસને આખા વર્ષ દરમિયાન ચાલુ રાખવાના આધારે છે.
નિયમો અનુસાર, આ સુવિધાનો લાભ એવા વ્યક્તિને મળશે, જેની પાસે બિન-વ્યાપારી ઉપયોગ માટે નોંધાયેલું માન્ય અને ચાલુ ફાસ્ટેગ ધરાવતું વાહન હોય અને જે સંબંધિત ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના દાયરામાં રહેતો હોય. પાત્ર વાહન માલિકો પોતાના વાહન માટે હાલના નિયમો હેઠળ માસિક પાસ અથવા નવો રાહત દરે સ્થાનિક પાસ, બંનેમાંથી કોઈ એકને પસંદ કરી શકશે. આ પાસ ફક્ત તે જ ટોલ પ્લાઝા પર માન્ય રહેશે જેના માટે તેને જારી કરવામાં આવશે. બીજા ટોલ પ્લાઝા પર તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
જોકે, આ સુવિધા બધા ટોલ પ્લાઝા પર લાગુ પડશે નહીં. એવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે એક્સપ્રેસવે પર આ રાહત દરે સ્થાનિક પાસ જારી કરવામાં આવશે નહીં, જ્યાં બંધ વપરાશકર્તા શુલ્ક સંગ્રહ પ્રણાલીના આધારે શુલ્ક લેવામાં આવે છે. આ ઉપરાંત, જો સંબંધિત વાહનના ચાલક, માલિક કે પ્રભારીના ઉપયોગ માટે સર્વિસ રોડ કે કોઈ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોય, તો પણ આ પાસ આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક વાહન માલિકો માટે માસિક પાસની વ્યવસ્થા પહેલાથી જ અસ્તિત્વમાં છે. ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણે ઓગસ્ટ 2026માં 'રાજમાર્ગ યાત્રા' મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ સ્થાનિક પાસની સુવિધા 121 ટોલ પ્લાઝા સુધી વિસ્તારી હતી. આ વ્યવસ્થામાં પાત્ર વાહન માલિકો સંબંધિત ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના દાયરામાં પોતાનું નિવાસસ્થાન પ્રમાણિત કરીને માસિક પાસ મેળવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ