
લંડન, નવી દિલ્હી, 27 ઓક્ટોબર (હિ.સ.). ઇંગ્લેન્ડના કેપ્ટન અને બાયર્ન મ્યુનિકના સ્ટાર સ્ટ્રાઈકર હેરી કેને, ફૂટબોલનો પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે. તેઓ 25 વર્ષ પછી આ સન્માન મેળવનારા પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યા છે. આ પહેલા 2001માં માઈકલ ઓવેને આ પુરસ્કાર જીત્યો હતો. સોમવારે લંડનના પેલેડિયમ થિયેટરમાં આયોજિત સમારોહમાં 33 વર્ષીય કેનને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું.
કેને ગત સિઝનમાં ક્લબ અને દેશ માટે કુલ 73 ગોલ કર્યા. બાયર્ન મ્યુનિક સાથે તેમણે બુન્ડેસલીગા અને જર્મન કપનો ખિતાબ જીત્યો, જ્યારે ઇંગ્લેન્ડને ફીફા વર્લ્ડ કપના સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી. પુરસ્કારની દોડમાં તેમણે ફ્રાન્સના કિલિયન એમબાપે અને સ્પેનના યુવા સ્ટાર લામિન યામાલને પાછળ છોડ્યા.
પુરસ્કાર મળ્યા પછી કેન ભાવુક દેખાયા. તેમણે કહ્યું, વાહ, મારી પાસે કહેવા માટે લગભગ શબ્દો નથી. ફ્રાન્સ ફૂટબોલ અને બેલોન ડી'ઓરનો આ શાનદાર આયોજન માટે આભાર. લંડનમાં આ સન્માન મળવું તેને વધુ ખાસ બનાવે છે. આજનો દિવસ મારા માટે શુભ સંકેત જેવો રહ્યો.
તેમણે પુરસ્કાર માટે મતદાન કરનારાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ વર્ષે મુકાબલો ખૂબ જ કઠિન હતો, કારણ કે તેમની સામે ઘણા અસાધારણ ખેલાડીઓ હતા. કેને તમામ વિજેતાઓ અને નામાંકિત ખેલાડીઓને અભિનંદન પણ આપ્યા. તેમણે કહ્યું કે, આ સન્માન દર્શાવે છે કે દ્રઢ સંકલ્પ અને સખત મહેનતથી શું પ્રાપ્ત કરી શકાય છે.
ટોટનહામથી બાયર્ન સુધીની સફરને યાદ કરી
કેને પોતાની સફળતાનો શ્રેય બાયર્ન મ્યુનિકના સાથીઓ અને કોચ વિન્સેન્ટ કંપનીને આપ્યો. તેમણે કહ્યું કે, પ્રેક્ટિસ દરમિયાન ટીમના ખેલાડીઓ તેમને વધુ સારા બનવા માટે પ્રેરિત કરે છે. કંપનીના હોસ્પિટલમાં હોવાનો ઉલ્લેખ કરતા તેમણે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી અને કહ્યું કે, આશા છે કે આ ઉપલબ્ધિથી તેમને થોડી ઊર્જા મળશે.
ઇંગ્લેન્ડની ટીમને લઈને કેને કહ્યું કે, ગત વર્ષ સંપૂર્ણપણે પરિપૂર્ણ નહોતું, પરંતુ ખેલાડીઓ વચ્ચે શાનદાર તાલમેલ અને એકતા રહી. તેમણે ટીમનું સુકાનીપદ સંભાળવું પોતાના માટે સન્માનની વાત ગણાવી અને કહ્યું કે, આ પુરસ્કાર તેમના તમામ સાથીઓના નામે પણ છે.
કેને ટોટનહામ હોટ્સ્પરનો પણ વિશેષ રૂપે આભાર માન્યો. તેઓ 11 વર્ષની ઉંમરે ક્લબની એકેડમી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે ક્લબના કોચો અને માર્ગદર્શકોએ તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરી. તેમણે પોતાની કારકિર્દીના અલગ-અલગ તબક્કાઓ પર સાથ આપનારા પ્રશિક્ષકો અને માર્ગદર્શકોના યોગદાનને પણ યાદ કર્યું.
પત્ની અને બાળકોને આપ્યો સફળતાનો શ્રેય
પોતાના ભાવુક સંબોધનમાં કેને પત્ની કેટને પોતાના સૌથી મોટા સમર્થક ગણાવ્યા. તેમણે કહ્યું કે, બંનેએ કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને કેટે હંમેશા તેમના સપના પૂરા કરવામાં સહયોગ આપ્યો છે.
કેને કહ્યું, મને લાગ્યું કે તમે આ ટ્રોફી મારા કરતાં પણ વધુ ઇચ્છતા હતા. તેને હાંસલ કરવા માટે તમે ઘણા ત્યાગ કર્યા. આ ફક્ત મારી ટ્રોફી નથી, પરંતુ આપણા બંનેની છે. હું તમને પ્રેમ કરું છું અને આ ઉપલબ્ધિની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છું.
તેમણે પોતાના બાળકો આઇવી, વિવિયન, લુઈ અને હેનરીનો પણ ઉલ્લેખ કર્યો. હસતા હસતા કહ્યું કે, સમારોહ ઘણો લાંબો ચાલ્યો અને બાળકોના સૂવાનો સમય થઈ ગયો હશે. તેમણે કહ્યું કે તેઓ પોતાના બાળકો સામે મહેનત કરવા, પોતા પર વિશ્વાસ રાખવા અને એક સારા પિતા તથા વ્યાવસાયિક ખેલાડી બનવાનું ઉદાહરણ સ્થાપિત કરવા માંગે છે.
પોતાની સંઘર્ષપૂર્ણ સફરને યાદ કરતા કેને કહ્યું કે, તેઓ સીધા ટોચના સ્તર સુધી પહોંચ્યા નહોતા. તેમને ઘણી વાર બીજા ક્લબોમાં લોન પર જવું પડ્યું અને પોતાની જગ્યા બનાવવા માટે સતત મહેનત કરવી પડી. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની વાર્તા યુવા ખેલાડીઓને પોતાના સપના માટે સંઘર્ષ કરવાની પ્રેરણા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ