

પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના
અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં આવેલા ગામોમાં પીવાના
પાણીની ઉપલબ્ધતા અને વ્યવસ્થા, ડેમોમાં
ઉપલબ્ધ પાણીનો જથ્થો, પાણી વિતરણ વ્યવસ્થા, નવા જળસ્રોતો વિકસાવવા તેમજ પાણીની
જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થાઓ અને હાથ ધરવામાં આવતી કામગીરી અંગે
વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પાણી વિતરણની
કામગીરી ગુણવત્તાયુક્ત અને સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને
સૂચના આપી હતી. વધુમાં, પાણીની ચોરી કરનારાઓ સામે નિયમોનુસાર
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર
વી. રંજન, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના
સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya