
ભાવનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ તથા રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2026 સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર (DLC) અભિયાન-5નું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેલવે પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત પેન્શનરોને 30 નવેમ્બર, 2026 સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) અનિવાર્યપણે જમા કરાવવાની અપીલ કરવામાં આવી છે, જેથી તેમના પેન્શનની ચુકવણીમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે.
ભાવનગર મંડળના મંડળ નાણાં પ્રબંધક હરિશ જનસારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે તમામ રેલવે પેન્શનરો અને પારિવારિક પેન્શનરોએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે. આ માટે ભારત સરકાર દ્વારા વિકસિત ‘જીવન પ્રમાણ (Jeevan Pramaan)’ ડિજિટલ સુવિધાનો લાભ લઈ શકાય છે. પ્રમાણપત્ર જમા કરાવવાની પ્રક્રિયાને સરળ, ડિજિટલ અને સુવિધાજનક બનાવવામાં આવી છે. આના કારણે પેન્શનરો પેન્શન કચેરીની મુલાકાત લીધા વિના, ભારતના કોઈપણ સ્થળેથી અને કોઈપણ સમયે પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર જનરેટ કરી શકે છે.
રેલવે પેન્શનરો સરળ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરાની ઓળખ દ્વારા પ્રમાણિકરણ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ એન્ડ્રોઇડ અથવા iOS ડિવાઇસ દ્વારા પોતાનું જીવન પ્રમાણપત્ર ડિજિટલ રીતે જમા કરાવી શકે છે. આ પહેલનો હેતુ પેન્શનરોને બેંકોમાં જવાની અને જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂરિયાત ઘટાડવાનો છે. આ સુવિધા દ્વારા પેન્શનરો ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે અને તેની ડિજિટલ નકલ પણ ઑનલાઇન મેળવી શકે છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પેન્શનરોની સુવિધા અને સહાયતા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો પેન્શનરો ભાવનગર પરા સ્થિત મંડળ રેલવે પ્રબંધક કચેરીના હિસાબ વિભાગનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, તેઓ પોતાના વિસ્તારના વેલ્ફેર ઇન્સ્પેક્ટર પાસેથી પણ સહાય મેળવી શકે છે.
મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ તમામ રેલવે પેન્શનરો અને પારિવારિક પેન્શનરોને અપીલ કરી છે કે તેઓ આ સુવિધાઓનો લાભ લે અને અંતિમ તારીખની રાહ જોયા વિના સરળતાથી તથા નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવે. સમયસર જીવન પ્રમાણપત્ર જમા કરાવવાથી પેન્શનની ચુકવણી અવિરત ચાલુ રાખવામાં મદદ મળશે. ભાવનગર મંડળ પેન્શનરોની સુવિધા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ