ઓડિશાના નાગરિકોએ દાંડી બીચ અને સૈફી વિલાની મુલાકાત લીધી
નવસારી, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત ટુરિઝમના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત ઓડિશાના કાલાહાંડી, રાયગડા, બલાંગીર અને નુઆપાડા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા છે. 26થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા પ્રવાસના
ઓડિશાના નાગરિકોએ દાંડી બીચ અને સૈફી વિલાની મુલાકાત લીધી


નવસારી, 28 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાત ટુરિઝમના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા યાત્રા અંતર્ગત ઓડિશાના કાલાહાંડી, રાયગડા, બલાંગીર અને નુઆપાડા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા છે. 26થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા પ્રવાસના ત્રીજા દિવસે પ્રવાસીઓએ ઐતિહાસિક દાંડીની મુલાકાત લીધી હતી.

પ્રવાસીઓએ દાંડી બીચ, સૈફી વિલા, પ્રાર્થના મંદિર, કીર્તિ સ્તંભ અને રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓને નમન કર્યા હતા. સૈફી વિલા ખાતે તેમણે 1930ની ઐતિહાસિક દાંડી યાત્રા અને સત્યાગ્રહના ઇતિહાસ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ દાંડીના દરિયાકિનારે મીઠાના કાયદાના ભંગ સાથે સંકળાયેલા સ્થળની મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધીજી અને તેમના 79 સાથી સત્યાગ્રહીઓની કાંસાની પ્રતિમાઓ, ભીંતચિત્રો તથા ડિજિટલ પ્રદર્શન નિહાળીને પ્રવાસીઓ પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે દાંડીની ઐતિહાસિક ભૂમિ દેશભક્તિ અને અહિંસાના વિચારોની પ્રેરણા આપે છે.

આ પ્રવાસનો હેતુ વિવિધ રાજ્યોના નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક વારસાથી લોકોને પરિચિત કરાવવાનો છે. મુલાકાત દરમિયાન સ્થાનિક તંત્ર અને માર્ગદર્શકોએ પ્રવાસીઓનું સ્વાગત કરી ઐતિહાસિક સ્થળોની માહિતી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande