પોરબંદર સ્ટેશન રોડ પર ત્રણ શખ્સોએ વેપારીને માર માર્યાની ફરિયાદ
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના સ્ટેશન રોડ પર સાધના સ્ટુડિયો પાસે થાર કાર નજીકથી પસાર કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ વેપારી અને તેના સાથીને માર માર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાની તેમજ જાનથ
પોરબંદર સ્ટેશન રોડ પર ત્રણ શખ્સોએ વેપારીને માર માર્યાની ફરિયાદ


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના સ્ટેશન રોડ પર સાધના સ્ટુડિયો પાસે થાર કાર નજીકથી પસાર કરવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ વેપારી અને તેના સાથીને માર માર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, ખારવાવાડ પંચહાટડી પોલીસ ચોકી પાસે રહેતા રોનક ધનશુખભાઈ લોઢારી (36) માછીમારીના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના સાથી સાથે સ્કૂટર પર નાસ્તો લેવા જઈ રહ્યા હતા. દરમ્યાન જીજે-37-એબી-7253 નંબરની કાળા રંગની થાર કારના ચાલક રવી ઓડેદરાએ કાર તેમના સ્કૂટર નજીકથી પસાર કરી હતી. આ બાબતે રોનકભાઈએ બૂમ પાડતાં કારચાલક સહિત બે અજાણ્યા શખ્સો થાર માંથી નીચે ઊતર્યા હતા. ફરિયાદ મુજબ, ત્રણેય શખ્સોએ રોનકભાઈ અને તેમના સાથીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને રસ્તા પર ઢસડતાં હાથ-પગે છોલાવાની ઇજાઓ પણ થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદથી ગુનો આચર્યો હોવાનો આક્ષેપ છે.

આ બનાવ અંગે કમલાબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande