
ભાવનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરવાસીઓ માટે ગૌરવ અને રોમાંચની ક્ષણ સમાન ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ આગામી 1 નવેમ્બર, 2026ના રોજ સવારે 9 વાગ્યે બોરતળાવ ખાતે યોજાશે. ભાવનગરમાં પ્રથમવાર યોજાનારા આ ઐતિહાસિક કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સશસ્ત્ર સેના આધુનિકતા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું પ્રદર્શન દેશના શૌર્ય, શિસ્ત, સાહસ અને ટેકનોલોજીકલ ક્ષમતાને નજીકથી નિહાળવાની તક પૂરી પાડશે. આ પ્રદર્શન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત કરવા સાથે તેમને દેશસેવા માટે પ્રેરણા આપશે.
આ આયોજન માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, સૂર્યકિરણ ટીમનાં નવ હોક એમકે-132 વિમાનો આશરે 30થી 40 મિનિટ સુધી આકાશમાં રોમાંચક હવાઈ કરતબો અને ત્રિરંગાના રંગોની આકર્ષક રચનાઓ રજૂ કરશે. આ એર શો ભાવનગરની ઓળખને નવી ઊંચાઈએ લઈ જશે.
મંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરવાસીઓને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અપીલ કરી હતી. સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા અને સ્વચ્છતા અંગે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA