
સુરત, 28 ઓક્ટોબર (હિ.સ.) : જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા 'પોષણ ઉત્સવ-2026' અંતર્ગત જિલ્લાકક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રો પરથી વિતરણ કરાતા ટેક હોમ રાશન (THR - બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિ) તેમજ પૌષ્ટિક તત્વોથી ભરપૂર મિલેટ્સ (બાજરી, જુવાર, જવ, નાગલી, રાજગરો) અંગે જાગૃતિ લાવવાનો અને સ્થાનિક સામગ્રીમાંથી સ્વાદિષ્ટ-સંતુલિત આહારને પ્રોત્સાહન આપવાનો હતો.
ICDS શાખાના પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સના પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં સુરત ગ્રામ્યના 14 ઘટકોમાંથી પસંદ થયેલી કુલ 84 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇ સ્થાનિક અને પારંપરિક ધાન્યોમાંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ જ્યોતિબેન ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ) તથા તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ(CDPO) ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા વાનગીઓના પોષણમૂલ્ય, સ્વાદ, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કરીને વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 84 બહેનોને પ્રોત્સાહક ઇનામ જિલ્લા પંચાયત પ્રમુખ તરફથી અને પ્રોત્સાહન પ્રમાણપત્ર આઈ.સી.ડી.એસ. શાખા તરફથી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે