
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા બન્યાને લગભગ બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ શહેરના ડેવલપમેન્ટ પ્લાન (ડીપી પ્લાન) અંગેની પ્રક્રિયા પૂર્ણ ન થતાં બાંધકામ ઉદ્યોગ પરતેની અસર જોવા મળી રહી છે.બાંધકામની મંજૂરીની રાહ જોઈ રહેલા લોકો, મજૂરો તેમજ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં 28 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક ડીપી પ્લાન અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોકે, શહેરના વિકાસના ભાવિ આયોજન અંગે સ્પષ્ટતા કરવા યોજાયેલી આ પરિષદમાં કમિશનર ટી.સી. તીર્થાણી પત્રકારોના અનેક સવાલોના સંતોષકારક જવાબ આપી શક્યા ન હોવાનું સામે આવ્યું હતું. મેયર સાગર મોદી ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર મનિષ શિયાળના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પત્રકારપરિષદમાં શરૂઆતમાં ડેપ્યુટી મેયરે સરકાર અને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ શહેરનાનવા ડેવલપમેન્ટ પ્લાન અંગે માહિતી આપવામાં આવી હતી. પરંતુ પત્રકારોએ જ્યારે ડીપી પ્લાનની વાસ્તવિક વિગતો, રસ્તાઓની પહોળાઈ અને આયોજન અંગે સવાલો પૂછ્યા ત્યારે કમિશનર તરફથી સ્પષ્ટ જવાબો મળવાને બદલે વારંવાર ટેકનિકલ વિભાગ તરફ આંગળી ચીંધવામાં આવી હતી.શહેરમાં 8 મીટર, 24 મીટર, 30 મીટર અને 45 મીટર પહોળાઈના રસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે, ત્યારે આ રસ્તાઓ શહેરના કયા મુખ્ય
વિસ્તારોમાંથી પસાર થશે, કયા રસ્તાઓને જોડશે અને નાગરિકોનેતેની શું અસર થશે તેવા સીધા સવાલો સામે કમિશનર પાસે વિગતો ન હોવાનું જણાવાયું હતું. ટીપીઓ શુક્રવારે આવશે ત્યારે માહિતી મળશે અને ટેકનિકલ વિગતો તેમની પાસે હોય છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. શહેરના વિકાસ સાથે સીધી રીતે સંકળાયેલા આટલા મહત્ત્વના વિષય અંગે કમિશનર પાસેજ પૂરતી માહિતી ન હોવી પત્રકાર પરિષદમાં ચર્ચાનો વિષય બન્યું હતું.
વધુ આશ્ચર્યજનક બાબત એ રહી કે ડીપી પ્લાન અંગેની માહિતી અને નકશો રજૂ કરવા માટે યોજાયેલી પરિષદમાં કમિશનર પાસે નકશો જ ઉપલબ્ધ નહોતો. પત્રકારોએ નકશો બતાવવા અને તેના આધારે આયોજન સમજાવવા માગણી કરતાં કમિશનરે પોતાની પાસે નકશો ન હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, ડીપી પ્લાન સંબંધિત માહિતી અને નકશાની વિગતો અગાઉથી સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થઈ રહી હોવાની ચર્ચા વચ્ચેસત્તાવાર પત્રકાર પરિષદમાં જ નકશો રજૂ ન થતાં મહાનગરપાલિકાની તૈયારી સામે સવાલો ઊભા થયા હતા. નાગરિકોને ડીપી પ્લાન સામે કોઈ વાંધો હોય તો મહાનગરપાલિકા કચેરીમાં આવી નીચેની દિવાલ પર લગાવવામાં આવેલા નકશાને જોઈને લેખિતમાં વાંધા-અરજી રજૂ કરી શકે છે તેમ જણાવાયું હતું.
આ નકશો પ્રાથમિક તબક્કાનો હોવાનું જણાવી નાગરિકોને 60 દિવસમાં વાંધા-અરજીઓ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. પરંતુ જ્યારે શહેરના રસ્તાઓનું આયોજન શું છે, કયા વિસ્તારોને અસર થશે અને નકશામાં દર્શાવેલી વિગતોનો અર્થ શું થાય છે તે અંગેજ જવાબદાર અધિકારીઓ સ્પષ્ટ માહિતી આપી શકતા ન હોય, ત્યારે સામાન્ય નાગરિકો નકશો સમજીને પોતાના વાંધા કેવી રીતે રજૂ કરશે તે સવાલ પણ મહત્ત્વનો છે.ડીપી પ્લાનની પ્રક્રિયામાં નાગરિકોના વાંધા-સૂચનો મહત્ત્વપૂર્ણ હોય છે.ત્યારે મહાનગરપાલિકાએ માત્ર નકશો દિવાલ પર લગાવી દેવા પૂરતું મર્યાદિત રહેવાને બદલે તેની સરળ અને સ્પષ્ટ વિગતો જાહેર કરવી જરૂરી છે.
પત્રકાર પરિષદમાં કમિશનર ટી.સી. તીર્થાણીના જવાબોએ તંત્રની તૈયારી અને માહિતીના સંકલન અંગે સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આગામી દિવસોમાં ડીપી પ્લાનની સંપૂર્ણ વિગતો જાહેર કરીને નાગરિકોને સ્પષ્ટતા આપે છે કે પછી શહેરના વિકાસના આ મહત્ત્વના મુદ્દે લોકોઅને બાંધકામ ઉદ્યોગને હજુ પણ રાહ જોવી પડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya