
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) :
દિવાળી પર્વ નિમિત્તે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી બસ સ્ટેશન ખાતે વિશેષ આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન રાજકોટથી ભાવનગર જતી એસી લક્ઝરી બસનો કોન્ટ્રાક્ટ આધારિત ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં તેને તાત્કાલિક અસરથી નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. નિગમની આ ત્વરિત કાર્યવાહીથી મુસાફરોની સુરક્ષા વધુ સુદ્રઢ બની છે.
તહેવારોની મોસમમાં એસ.ટી. નિગમ દ્વારા હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશમાં લગભગ ૩૦ જેટલા ડ્રાઈવર અને કંડક્ટરનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ-ભાવનગર રૂટની એસી વોલ્વો બસ ઉપડે તે પહેલાં જ ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યો હતો. ફરજ પર આવ્યા પહેલાં જ નશાની હાલતમાં ઝડપાયેલા આ ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશને મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ એસ.ટી. વિભાગના વોલ્વો ડેપો મેનેજર એન.વી. ઠુમ્મરના જણાવ્યા મુજબ, તહેવારોના સમયમાં મુસાફરોની સલામતી અને નિગમ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે. આથી જ દરેક બસ સ્ટેશન અને ડેપો પર આ પ્રકારની સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવે છે. આ પ્રકારના કડક પગલાંથી દારૂ પીને વાહન ચલાવવાની બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે દાખલો બેસાડવામાં આવ્યો છે.
આ સરકારી વ્યવસ્થા અંગે પ્રતિક્રિયા આપતાં મુસાફર યુવતીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસ.ટી. બસમાં સતત ટ્રેકિંગ અને ડ્રાઈવરોના આલ્કોહોલ ટેસ્ટને કારણે ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે મુસાફરી અત્યંત સુરક્ષિત બને છે. ખાનગી બસોમાં આવું કોઈ ચેકિંગ થતું ન હોવાથી મુસાફરો અસુરક્ષિત અનુભવે છે. તેથી સરકારી બસોમાં આ પ્રકારનું આલ્કોહોલ ટેસ્ટિંગ નિયમિત ધોરણે ચાલુ રહે તે જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt