હીરાસર એરપોર્ટ પર આગ લાગતાં દિલ્હી-રાજકોટ ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ: ૧૦૦થી વધુ મુસાફરો પરેશાન
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પક્ષીઓ ભગાડવા માટે ફોડવામાં આવેલા ફટાકડાના તણખાથી રનવે નજીકના સૂકા ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાના કારણે ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પ
રાજકોટ હીરાસર એરપોર્ટ


રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પક્ષીઓ ભગાડવા માટે ફોડવામાં આવેલા ફટાકડાના તણખાથી રનવે નજીકના સૂકા ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાના કારણે ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિણામે દિલ્હીથી રાજકોટ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને લેન્ડિંગની મંજૂરી ન મળતાં ૧૦૦થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ફ્લાઇટને તાત્કાલિક વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી.

રાજકોટ હીરાસર એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટના આગમન પહેલાં સુરક્ષાના ભાગરૂપે અને પક્ષીઓની અવરજવર નિયંત્રિત કરવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફટાકડાનો તણખો રનવે નજીક ઉગેલા સૂકા ઘાસ પર પડતાં ક્ષણવારમાં આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે રનવે પર ભારે ધુમાડો છવાઈ ગયો હતો અને લેન્ડિંગ માટે જરૂરી વિઝિબિલિટી તળિયે બેસી ગઈ હતી.

દિલ્હીથી આવેલી ફ્લાઇટ નિર્ધારિત સમયે સવારે ૧૦.૨૫ વાગ્યે એરપોર્ટના આકાશમાં પહોંચી ગઈ હતી. પરંતુ લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ આકાશમાં ૪ ચક્કર માર્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ વિઝિબિલિટીમાં સુધારો ન થતાં લાંબી રાહ જોયા બાદ ફ્લાઇટને સુરક્ષિત રીતે વડોદરા ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા ખાતે ફ્લાઇટનું સલામત લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થિતિ સામાન્ય થયા બાદ આ ફ્લાઇટ બપોરે ૧૨.૨૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી અને ત્યારબાદ ૧.૧૧ વાગ્યે રાજકોટથી દિલ્હી માટે રવાના થઈ હતી. આ ઘટનાને કારણે ૧૦૦થી વધુ મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો તેમજ એરપોર્ટ પ્રશાસનની સેફ્ટી પદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande