31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર રેલવે સ્ટેશન પાસે IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરશે
52.50 કરોડના ખર્ચે નિર્માણ, 127 રૂમની આધુનિક હોટેલ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : 31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે
IRCTC's new hotel near Ektanagar


IRCTC's new hotel near Ektanagar


- 52.50 કરોડના ખર્ચે નિર્માણ, 127 રૂમની આધુનિક હોટેલ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.

ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : 31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટલનું લોકાર્પણ કરવામા આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક 52.50 કરોડના ખર્ચે IRCTCની નવી હોટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.127 રૂમની આ આધુનિક હોટેલ પ્રવાસીઓને રોકાણ માટે ગુણવત્તાયુક્ત સુવિધા ઉપલબ્ધ કરાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આશરે બે એકર વિસ્તારમાં આ હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોટેલમાં ચાર અલગ-અલગ પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સની સુવિધાઓ તેમજ સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર ઉપલબ્ધ છે. આ હોટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી બનશે. રેલવે સ્ટેશનની નજીક હોવાથી રેલવે મુસાફરો માટે તે એક વિશેષ સુવિધા બની રહેશે.

એકતાનગરમાં પ્રવાસીઓની સતત વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખતાં આધુનિક હોટેલ અને અન્ય આતિથ્ય સુવિધાઓનું વિસ્તરણ મહત્વપૂર્ણ બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 3 કરોડથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે.. નવી હોટેલથી માત્ર રહેવાની સુવિધામાં જ વધારો નહીં થાય, પરંતુ હોટેલ સંચાલન, હાઉસકીપિંગ, ખાણીપીણી તથા અન્ય સેવાઓમાં પ્રત્યક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે.

આધુનિક હોટેલ, રેસ્ટોરન્ટ અને કોન્ફરન્સ માટેની સુવિધાઓ ઉપલબ્ધ થવાથી પ્રવાસીઓ એક દિવસની મુલાકાતને બદલે એકતાનગરમાં વધુ સમય રોકાવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. પ્રવાસીઓના વધુ રોકાણથી સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે.

ઉપરાંત હોટેલમાં કોન્ફરન્સ અને વિવિધ કાર્યક્રમો માટેની સુવિધાઓથી અહીં કોર્પોરેટ મીટિંગ, પરિષદો અને સામાજિક પ્રસંગોના આયોજનની નવી તકો ઊભી થશે. પરિણામે વ્યાવસાયિક અને વિવિધ પ્રસંગોના આયોજન માટે પણ એકતાનગર એક પસંદગીનું સ્થળ બનશે. એકતાનગરને આધુનિક અને સર્વાંગી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આ સુવિધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande