
નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય કંપનીઓ દ્વારા ગ્રીન હાઇડ્રોજનના પુરવઠા માટે કરવામાં આવેલા કુલ ઓફટેક કરારો ઓક્ટોબર 2026 સુધીમાં વધીને 5,55,610 મેટ્રિક ટન પ્રતિ વર્ષ (એમટીપીએ) થી વધુ થઈ ગયા છે. આ સાથે જ, ભારત ગ્રીન હાઇડ્રોજનના પુરવઠા સંબંધિત પ્રતિબદ્ધતાઓમાં વિશ્વનો અગ્રણી દેશ બની ગયો છે. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે, ગ્રીન હાઇડ્રોજનમાં ભારત વિશ્વનો અગ્રણી દેશ બન્યો છે, અને 9.5 અબજ ડોલરના કરારો થયા છે.
નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયે ગુરુવારે જારી કરેલા નિવેદનમાં આ માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, વર્ષ 2026માં ભારતીય કંપનીઓએ 4 લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષથી વધુ ગ્રીન હાઇડ્રોજનના સમકક્ષ જથ્થાના પુરવઠા માટે 18 નવા ઓફટેક કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
મંત્રાલયે જણાવ્યું કે, ઓક્ટોબર 2026 સુધીમાં ભારતીય કંપનીઓ દ્વારા કુલ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે કરવામાં આવેલા નક્કર અને હસ્તાક્ષરિત કરારો 5,55,610 મેટ્રિક ટન પ્રતિ વર્ષ સુધી પહોંચી ગયા છે. આ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યના લગભગ 11 ટકા છે. આનાથી ભારત ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી બન્યું છે.
કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહ્લાદ જોશીએ ‘એક્સ’ પર જારી કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, “ભારતીય કંપનીઓએ ગ્રીન હાઇડ્રોજનના પુરવઠા માટે 23 મુખ્ય કરારો (કોન્ટ્રાક્ટ) હાંસલ કર્યા છે, જેમાં 5.5 લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષથી વધુના પુરવઠાની પ્રતિબદ્ધતાઓ શામેલ છે. આમાંથી 70 ટકાથી વધુ હિસ્સો વૈશ્વિક નિકાસ માટે નિર્ધારિત છે.”
તેમણે કહ્યું કે, આ સિદ્ધિથી સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં 90,000 કરોડ રૂપિયાનું રોકાણ વધ્યું છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતને વૈશ્વિક સ્તરે નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્યમાં અગ્રણી બનવા અને હરિત રોજગારીનું સર્જન કરવાની દિશામાં આગળ વધારી રહી છે.”
મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન (એનજીએચએમ) ને કેબિનેટ દ્વારા નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં 19,744 કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી. મિશનનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ ઓછામાં ઓછું 5 મિલિયન મેટ્રિક ટન હરિત હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો છે. આ ઉપરાંત, મિશનના અપેક્ષિત પરિણામોમાં નવીકરણીય ઉર્જા (આરએમઈ) ક્ષમતામાં 125 ગીગાવોટનો વધારો, 8 લાખ કરોડ રૂપિયાથી વધુનું કુલ રોકાણ, 6 લાખથી વધુ પૂર્ણકાલિન નોકરીઓનું સર્જન અને પ્રતિ વર્ષ 50 મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો શામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ