
રાજકોટ, 29 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટમાં જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલી Z ઇવેન્ટના મંડપ સર્વિસ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં લાકડા, કાપડ અને ફર્નિચર જેવા મોટા પ્રમાણમાં જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે ટૂંક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવને પગલે આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, માર્વેલના શોરૂમની પાછળ આવેલી ગલીમાંથી સૌપ્રથમ આગ લાગવાની શરૂઆત થઈ હતી. જોતજોતામાં આગ ગોડાઉનના પાછળના ભાગ સુધી ફેલાઈ ગઈ હતી, જેને પગલે અંદર રાખવામાં આવેલો મંડપ તથા ડેકોરેશનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ રામાપીર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતા અને વિકરાળતાને જોતાં ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરીને વધારાના ફાયર ફાઈટરોની મદદ મંગાવવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને સઘન કામગીરી બાદ આગ પર પૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો.
આ ભયાનક દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા થયાના સમાચાર નથી, જેથી મોટી હોનારત ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક અંદાજ મુજબ નજીકમાં કચરો સળગાવવાના કારણે અથવા અંદર રહેલા જ્વલનશીલ પદાર્થોને લીધે આગ ફેલાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt