
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર તાલુકાના ઠેબા ગામના ખેડૂત પરિવારના મલકેશ વડારીયાએ જીપીએસસી વર્ગ-૧/૨ની પરીક્ષામાં રાજ્યમાં ૧૫મો રેન્ક મેળવી ડીવાયએસપી તરીકે સફળતા મેળવી છે. આણંદની બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ઇ. થયેલા વડારીયાએ આર્થિક સંઘર્ષ વચ્ચે નોકરી સાથે અભ્યાસ કરી ત્રીજા પ્રયાસે આ સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ બીજા પ્રયાસમાં તેઓ ૫૪મા રેન્ક સાથે એસટીઓ બન્યા હતા અને હાલ જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
વડારીયા પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી એન્જિનિયરિંગ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવી પડી હતી. ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા બાદ પણ વડારીયા ગામમાં જઈને પિતાને ખેતીકામમાં નિયમિત મદદ કરે છે, જે તેમની સાદાઈ દર્શાવે છે.
મલકેશ વડારીયાના પત્ની શીતલ પણ વર્ગ-૧ અધિકારી છે અને હાલ જામનગરમાં સ્ટેટ જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે સેવાઓ આપે છે. ખેડૂત પરિવારમાંથી આવતા વડારીયા દંપતીની આ સિદ્ધિથી પરિવાર અને સમગ્ર પંથકનું ગૌરવ વધ્યું છે.
ખેડૂત પુત્રની આ સફર ગ્રામીણ યુવાનો માટે પ્રેરણારૂપ છે. કઠિન પરિશ્રમ અને નિષ્ઠાથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે તેવું વડારીયાએ સાબિત કર્યું છે. આ સફળતા બદલ વડારીયા પરિવાર, ઠેબા ગામ અને શુભેચ્છકો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt