

ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં મહિલાઓ અને બાળકોના સંરક્ષણ, સુરક્ષા તથા સશક્તિકરણને વધુ સુદૃઢ બનાવવા ભારત સરકાર પુરસ્કૃત ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક દરમિયાન ‘મિશન શક્તિ’ હેઠળ અમલમાં મૂકવામાં આવતી ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘સખી વન સ્ટોપ સેન્ટર’, ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ અને ' 181 મહિલા હેલ્પલાઇન’ સહિતની યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરી, મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ, સુરક્ષા તથા અધિકારોના રક્ષણ માટે તમામ વિભાગોએ સંકલન સાથે કાર્ય કરવા સૂચનો આપ્યા હતા.
વધુમાં, બાલિકા પંચાયતની રચના અને તેની કામગીરીને પ્રોત્સાહન આપવા તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચે તે માટે અસરકારક આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, મિશન શક્તિ હેઠળ યોજેલ એનિમિયા તપાસ કેમ્પની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના પ્રતિનિધિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસ, જિલ્લા રોજગાર અધિકારી, લીડ બેંક મેનેજર તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ