એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું: 2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન
‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની થીમ સાથે પાંચ ઝોન વિકસાવાયા - રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો-ટ્રેઈલ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે રાજપીપળા,29 ઓક્ટોબર (
A new treat for tourists in Ekta Nagar 'Rain Forest'


- ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની થીમ સાથે પાંચ ઝોન વિકસાવાયા

- રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઑક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો-ટ્રેઈલ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે

રાજપીપળા,29 ઓક્ટોબર (હિ.સ.) સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા નિહાળ્યા બાદ હવે એકતાનગરના પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પણ અનુભવી શકશે. એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં 2.62 કિલોમીટર લાંબી અનોખી ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે. ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ નામની આ ઇકો-ટ્રેઇલમાં પ્રકૃતિ, વન્યજીવન, મહિલા સશક્તિકરણ, યુવા, ભારતીય વારસો અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળશે. આગામી 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આ પ્રવાસન આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીએ એકતાનગરને વૈશ્વિક પ્રવાસનના નકશા પર વિશિષ્ટ ઓળખ અપાવી છે. પ્રતિમાના ઉદ્ઘાટનથી અત્યારસુધીમાં ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે.

પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટી (SoUADTGA) દ્વારા એકતાનગરમાં પ્રવાસન સુવિધાઓ અને નવાં આકર્ષણોનો સતત વિકાસ કરી રહી છે. આ જ દિશામાં આગળ ધપતા સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટીએ લીમડી ગામ ઇકો-ટ્રેઇલ વિકસાવી છે. જે પ્રવાસીઓને પ્રકૃતિની વચ્ચે ફરવાની સાથે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપશે.

‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ની વિશેષતા તેના પાંચ થીમેટિક ઝોન છે. વન્યજીવન અને પ્રકૃતિ, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતા—આ પાંચ વિષયોને કેન્દ્રમાં રાખીને ટ્રેઇલ પર વિવિધ થીમ આધારિત પ્રદર્શનો અને કલાત્મક શિલ્પોની સ્થાપના કરવામાં આવી છે. આ ઝોન પ્રવાસીઓને ભારતની પ્રાકૃતિક સમૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓની ઝાંખી કરાવશે.

આ ટ્રેઇલ પર્યટકો માટે પ્રકૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જોડતો એક વિશિષ્ટ અનુભવ બની રહેશે. પ્રવાસીઓ લીલાંછમ જંગલો વચ્ચે પગપાળા ભ્રમણ કરતાં વિવિધ થીમ આધારિત સ્થાપત્યો નિહાળી શકશે તેમ જ પ્રકૃતિ સાથે સમય વિતાવી શકશે.

ઇકો-ટ્રેઇલને પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક બનાવવા આકર્ષક પ્રવેશદ્વાર, પાર્કિંગ, ટિકિટ બૂથ અને માહિતી કેન્દ્ર સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત, મલ્ટી-પર્પઝ ગઝેબો, બાયો-ટોઇલેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા, વાંસનો વૉચ ટાવર, દિશાસૂચક અને માહિતીદર્શક સાઇનબોર્ડ, પથ્થરનાં બેઠક સ્થળો તથા ટ્રેઇલના નકશાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.

આ વ્યવસ્થાઓને કારણે પ્રવાસીઓને વનવિસ્તારમાં સરળતાથી ભ્રમણ કરવાની અને વિવિધ સ્થળો વિશે માહિતી મેળવવાની સુવિધા મળશે.

એકતાનગરમાં ઇકો-ટ્રેઇલના વિકાસથી પ્રકૃતિ આધારિત પ્રવાસનને વેગ મળવાની સાથે પર્યાવરણ અને જૈવવિવિધતા અંગેની જાગૃતિ પણ વધશે. પ્રવાસીઓને વન્યજીવનનું નિરીક્ષણ, પ્રકૃતિ વચ્ચે ભ્રમણ અને પર્યાવરણ વિશે જાણકારી મેળવવાની તક મળશે. પગપાળા પ્રવાસ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ પર્યટકોને પ્રકૃત્તિના સાનિધ્યનો અનુભવ કરાવશે તેમ જ સ્વાસ્થ્ય-લાભની તક પૂરી પાડશે.

આ ઉપરાંત, પ્રવાસીઓને નવા ડેસ્ટિનેશન ઉપલબ્ધ થવાથી એકતાનગરમાં તેમના રોકાણના સમયગાળામાં વધારો થવાની શક્યતાઓ વધશે. જેથી પ્રવાસન પ્રવૃત્તિઓના વિસ્તરણથી સ્થાનિક સમુદાયો માટે રોજગારી અને આજીવિકાની નવી તકો ઊભી કરવામાં પણ મદદ મળશે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સરદાર સરોવર વિસ્તારનાં આકર્ષણોની સાથે હવે ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ એકતાનગરના પ્રવાસન અનુભવને વધુ વૈવિધ્યસભર બનાવશે. પ્રકૃતિની શાંતિ, ભારતના સાંસ્કૃતિક વારસાની ઝલક અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ—આ ત્રણેયનો સમન્વય કરતી આ ઇકો-ટ્રેઇલ એકતાનગરને પર્યાવરણપ્રેમી અને ટકાઉ પ્રવાસન સ્થળ તરીકે વધુ મજબૂત ઓળખ અપાવવામાં સહાયક બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande